તંત્ર દ્વારા સરોવરના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે
Amreli, તા.૯
અમરેલી રોડ પર આવેલા મોટા લીલિયાના પ્રખ્યાત નિલકંઠ સરોવરમાં કોઈ અજાણ્યા પદાર્થ ઠાલવવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે સરોવરનું પાણી લીલુંછમ બની ગયું છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નિલકંઠ સરોવરના પાણીનો રંગ અચાનક બદલાઈને લીલો થઈ ગયો હતો. આ બાબતની જાણ થતાં લીલિયાના સરપંચ દ્વારા તાત્કાલિક મામલતદાર સહિતના વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સરોવરના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
નિલકંઠ સરોવર વિસ્તારમાં સિંહો તેમજ અન્ય વન્ય પશુ-પક્ષીઓની અવરજવર કાયમી રહે છે. જો પાણીમાં કેમિકલ જેવો કોઈ ઝેરી પદાર્થ ભળ્યો હોય, તો તેનાથી વન્યજીવોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. આથી, સ્થાનિક લોકોએ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.
હાલમાં પાણીમાં નાખવામાં આવેલો પદાર્થ કેમિકલ છે કે કેમ, તે સ્પષ્ટ થયું નથી. પાણીના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગેનો સાચો ખુલાસો થઈ શકશે. તંત્ર દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.