New Delhi,તા.22
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુ ફરી એક વાર પોતાના નિવેદનને લઈને વિવાદોમાં ઘેરાયા છે. આ વખતે તેમનું નિવેદન મહિલા વકીલો સાથે જોડાયેલું છે. જેણે સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે.
હકીકતમાં એક્સ પર એક મહિલા વકીલે જસ્ટિસ કાત્જુને સવાલ કર્યો કે, કોર્ટમાં પ્રભાવી રીતે કેસ કેવી રીતે રજૂ કરી શકાય. તેના પર કાત્જુએ જે જવાબ આપ્યો, તેણે સૌને ચોંકાવી દીધા. તેમણે લખ્યું કે, જે મહિલા વકીલોએ મને આંખ મારી, તેમને કોર્ટમાંથી અનુકૂળ ચુકાદા મળ્યા.
કાત્જુની આ ટિપ્પણી જોતજોતામાં વાયરલ થઈ ગઈ. કેટલીય વકીલો અને યુઝર્સે તેને મહિલાઓનું અપમાન અને ન્યાયપાલિકાની ગરિમાને ઠેસ ગણાવી. ટીકા એટલી વધી ગઈ કે કાત્જુએ થોડી જ વારમાં પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી. પણ ત્યાં સુધીમાં તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ધડાધડ વાયરલ થવા લાગ્યા.
તમામ ચુકાદાની સમીક્ષા કરી
એક વકીલે પોસ્ટ પર ટિપ્પણી કરતા લખ્યું કે પોસ્ટ તો હવે ડિલીટ થઈ ગઈ, પણ તેમના તમામ આદેશોની ફરી વાર સમીક્ષા થવી જોઈએ. તો વળી અમુક અન્ય લોકોએ સવાલો ઉઠાવ્યો કે આખરે આવી રીતે એક પૂર્વ સુપ્રીમ કોર્ટના જજને કેવી રીતે શોભે?
ભુતકાળમાં પણ વિવાદ સર્જયા છે
આ પહેલી વાર નથી જ્યારે માર્કંડેય કાત્જુ પોતાના વિવાદિત નિવેદનોમાં આવ્યા હોય, વર્ષ 2015માં તેમણે કહ્યું હતું કે જો દિલ્હી ચૂંટણીમાં ભાજપે કિરણ બેદીની જગ્યાએ શાઝિયા ઈલ્મીને સીએમ ઉમેદવાર બનાવ્યા હોત પરિણામ વધારે સારા હોત, કારણ કે શાઝિયા વધારે સુંદર છે.
વર્ષ 2020માં હાથરસ ગેંગરેપ કેસ પર તેમણે ટિપ્પણી કરી હતી કે, બળાત્કાર પુરુષોની પ્રાકૃતિક પ્રવૃતિ છે. બેરોજગારી અને લગ્ન નહીં થતાં વધે છે. આ નિવેદન પર તેમને ખૂબ ટીકાઓ સહન કરવી પડી.
આ ઉપરાંત તેઓ હિજાબ વિવાદ, રાજકારણ અને ત્યાં સુધી કે ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશના પુન:એકીકરણ જેવા મુદ્દા પર બિંદાસ્ત વિવાદાસ્પદ નિવેદન આપતા રહ્યા છે.
તેમના તાજેતરના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર સતત ચર્ચાઓ થઈ રહી છે. જ્યાં એક તરફ લોકો તેને મહિલા વકીલોનું અપમાન ગણાવી રહ્યા છે, તો અમુક તેને ન્યાયપાલિકાની સાખને ઈજા ગણાવી રહ્યા છે.
ભલે કાત્જુએ પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હોય, પણ આ વિવાદે ફરી એક વાર સાબિત કરી દીધું કે સોશિયલ મીડિયા પર તેમનું દરેક નિવેદન પળવારમાં હેડલાઈન બની જાય છે.