33 હજારની મતા ઉઠાવી જતાં બે મહિલા સીસીટીવીમાં કેદ : ભક્તિનગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
Rajkot,તા.23
શહેરના ઢેબર રોડ પર આવેલા ગીતાનગરમાં રહેતા ઈલેકટ્રીશ્યનના મકાનમાંથી રૂા.33 હજારની ચોરી થયા અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. પત્ની અને બાળકો વેકેશન કરવા ગામડે ગયા હોય જેથી ઈલેકટ્રીશ્યન તેને તેડવા ગામડે ગયો હતા અને તસ્કરો ઘરના તાળા તોડી રોકડ અને દાગીના ઉઠાવી ગયા હતાં. ઘરમાં લગાવેલા સીસીટીવીમાં ચોરી કરવા આવેલી બે મહિલાઓ કેદ થઈ જતાં પોલીસે આ ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
ચોરીના બનાવની જાણાવા મળતી વિગતો મુજબ, ઢેબર રોડ પર ગીતાનગર શેરી નં.2/4માં રહેતા અને સ્વામીનારાયણ ગુરૂકુલમાં ઈલેકટ્રીશ્યન તરીકે નોકરી કરતાં જયેશ હમીરભાઈ ડાગોદરા (ઉ.42) નામના યુવાને ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેની પત્ની મનીષા અને તેના બાળકો તેમના ગામ વાવરડા તા.ઉના વેકેશન કરવા ગયા હોય જેથી જયેશભાઈ ગત તા.19નાં રોજ પત્ની અને બાળકોને તેડવા માટે ગામડે ગયા હતાં. દરમિયાન ગત રાત્રે આઠ વાગ્યાના અરસામાં તેના પાડોશી રોહિતભાઈએ ફોન કરી જણાવ્યું કે તમારા ઘરનું તાળુ તુટેલું છે જેથી તેઓ પરિવાર સાથે રાજકોટ દોડી આવ્યા હતાં તપાસ કરતાં તેના ઘરનું મેઈન દરવાજાનું તાળુ તુટેલું હોય અને ઘર વખરી વેરવિખેર હાલતમાં પડેલી હોય તપાસ કરતાં લોખંડના કબાટમાંથી સોનાની બુટી, ચાંદીની કડલી, નાકના દાણા, સોનાનું ઓમ અને રોકડ રૂપિયા 20 હજાર જોવા મળ્યા ન હતાં. જેથી ઘરમાં લગાવેલા સીસીટીવી તપાસતાં તેમાં તા.22ના સાંજના પાંચેક વાગ્યે અજાણી બે મહિલા તિક્ષ્ણ હથિયાર વડે ઘરનું તાળુ તોડી ચોરી કરવા ઘરમાં ઘુસી હોવાનું કેદ થઈ ગયું હતું. આ અંગે ભક્તિનગર પોલીસે ઈલેકટ્રીશ્યનની ફરિયાદ પરથી બન્ને અજાણી મહિલા સામે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે બંનેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.