Rajkot. તા.27
રાજકોટના ભક્તિનગર સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાંખ્યો હતો અને બંધ મકાન જોઈ ત્રાટકી 40 લાખની મતા ચોરનાર તસ્કરને ભાવનગર તેના ઘરેથી દબોચી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી પાસેથી 70 લાખથી વધુની મતા કબ્જે કરી હતી.
ગઇ તા.20 ના શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભકિતનગર સોસાયટી, શેરી નં.-5, પોસ્ટ ઓફીસની સામે રહેતાં સોની વેપારીના મકાનમાંથી સોના અને ચાંદીના દાગીના તેમજ રોકડા મળી રૂ.40.30 લાખની મતા ચોરી અજાણ્યાં તસ્કરો ફરાર થઇ ગયાં હતાં.
બનાવની ગંભીરતા દાખવી શહેર પોલીસ કમિશ્ર્વર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડિસીપી (કાઇમ) જગદીશ બાંગરવા, એસીપી (ક્રાઇમ) ભરત બસીયા દ્વારા થયેલ મોટી ઘરફોડી ચોરીમાં ગયેલ મુદામાલ તથા આરોપીઓને શોધી કાઢી ગુન્હો ડીટેકટ કરવાની આપેલ સુચનાથી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવની રાહબરીમાં અલગ અલગ ટીમો ચોરી ડીટેકટ કરવા જે જગ્યાએ મકાનમાંથી ચોરી થયેલ હોય ત્યાંથી લઇને જે-જે જગ્યાએ ચોરીમાં ગયેલ મુદામાલ અંગે કોઇપણ વિગત મળી આવે તે મુજબ તપાસ આદરી હતી.
જે બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતાં છેક તપાસનો દોર ભાવનગર સુધી પહોંચ્યો હતો અને તસ્કર ઇરફાન ઉર્ફે ભુરો ઇકબાલભાઇ સમા (ઉ.વ.40, ધંધો-ભંગારનો રહે.રેલ્વે સ્ટેશન રોડ, શેલાર પીરની દરગાહ પાસે, અમીપરા મસ્જીદની સામે, ભાવનગર) ને દબોચી લઈ રૂ.70.05 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપી અગાઉ એક ચોરીના ગુનામાં સંડોવાયેલ છે અને તે બાદ તે ભંગારના ધંધા સાથે જોડાયો હતો. જે બાદ તેને જીએસટી ચોરી કરતાં તેને મસમોટો દંડ આવતાં ચોરીનો પ્લાન ઘડ્યો અને ભાવનગરમાં ચોરી કરશે તો પોલીસ પકડી લેશે તેમ માની એક્સેસ લઈ રાજકોટ પહોંચ્યો હતો. અહીં ભક્તિનગર સોસાયટીમાં આવ્યો અને બંધ મકાન જોઈ મુખ્ય લોખંડના દરવાજાથી અંદર પ્રવેશ્યો અને ત્યાંથી ગેલેરી વાટે સ્લાઈડર બારી ખોલી હોલમાં પ્રવેશ્યો હતો અને રૂમમાં જોઈ ચોરીને અંજામ આપ્યો હતો.
ચોરી કરી ઘર બહાર નીકળી તુરંત તેને નંબર પ્લેટ કાઢી નાંખી મોઢે રૂમાલ બાંધી ભાવનગર તરફ રવાના થયો હતો. રસ્તામાં તેને ત્રણ વખત પેટ્રોલ પુરાવ્યું હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીના એપાર્ટમેન્ટ સુધી પહોંચી ઘરેથી જ તસ્કરને દબોચી લીધો હતો. જે કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ એ.એન.પરમાર, એસ.વી.ચુડાસમાં, વી.ડી.ડોડીયા, એમ.વી.મોવલીયા, એ.એસ.ગરચર, એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, અમિતભાઇ અગ્રાવત, વિજયભાઇ સોઢા, સંજયભાઇ દાફડા સહિતનો સ્ટાફ રોકાયેલ હતાં.
બેદરકારી: સ્લાઈડર બારી અર્ધી ખુલી, તિજોરીની ચાવી પણ સામે જ પડી હતી
તસ્કરો ચોરી કરવામાં સફળતા મળે છે તેમાં નાગરિકોની ભૂલ પણ હોય છે. ભક્તિનગર સોસાયટીમાં થયેલ ચોરીના બનાવમાં વેપારીની બેદરકારી પણ સામે આવી હતી. જેમાં સ્લાઈડર બારી અર્ધી ખુલી હતી અને તિજોરીની ચાવી પણ સામે જ પડી હતી. જેથી તસ્કર ગણતરીની મિનિટોમાં ચોરીને અંજામ આપી નાસી છૂટ્યો હતો. જેથી જ્યારે આપ ફરવા જાવ છો તો ઘરને વ્યવસ્થિત લોક કરી તેમજ તિજોરીની ચાવી સહિતની વસ્તુ સુરક્ષિત કરવી જોઈએ.
300 થી વધુ CCTV કેમેરા ચેક કરી ક્રાઈમ બ્રાન્ચની ટીમ તસ્કરના ઘરે પહોંચી
ભાવનગરમાં તસ્કરને એમ હતું કે, જો તે ભાવનગરમાં ચોરી કરશે તો સ્થાનીક પોલીસ તેને પકડી લેશે, જેથી તેને ચોરી માટે રાજકોટને પસંદ કર્યું અને ચોરીને અંજામ પણ આપ્યો પરંતુ ક્રાઈમ બ્રાન્ચની બાહોશ ટીમે ગુનાનો ભેદ ઉકેલવા 300 થી વધું સીસીટીવી કેમેરા તપાસી આરોપીના ઘરે પહોંચી તેને દબોચી લઈ સફળતા મેળવી હતી.
રાજકોટની ભક્તિનગર સોસાયટીમાં થયેલ રૂા.40 લાખની ચોરીના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાંખી તસ્કરની સાથે તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જે અંગે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ માહિતી આપી હતી.

