Pakistan,તા.06
પાકિસ્તાનમાં હિન્દુઓ સહિતના લઘુમતીઓ પર અત્યાચાર વધી રહ્યા છે. કટ્ટરવાદીઓ અને આતંકવાદીઓ તેમના ધાર્મિક સ્થળો મંદિર, ગુરુદ્વારા વગેરેને નિશાન બનાવી રહ્યા છે. જેને પગલે હવે સક્રિય મંદિરો અને લઘુમતીઓના અન્ય ધાર્મિક સ્થળોની સંખ્યા પણ ઘટવા લાગી છે. એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં કુલ 1817 હિન્દુ મંદિર અને ગુરુદ્વારા છે તેમાંથી માત્ર 37 જ સક્રિય છે કે જ્યાં ધાર્મિક કાર્યો થાય છે. જ્યારે અન્ય ધાર્મિક સ્થળો ધ્વંસ થવાની સ્થિતિમાં છે
પાકિસ્તાન પાર્લામેન્ટરી કમિટી ઓન માઇનોરિટી સમક્ષ તાજેતરમાં એક આંચકાજનક અહેવાલ રજૂ થયો છે. તેમાં જણાવ્યું છે કે દેશમાં 1947 માં 1817 હિન્દુ મંદિરો અને ગુરૂદ્વારાઓ હતાં. તેમાંથી અત્યારે માત્ર 37 બચ્યા છે. આ સાથે તે અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાંથી હિન્દુઓ અને શિખોની સંખ્યા સતત ઘટતી રહી છે. બીજી તરફ તે સમયથી જર્જરિત થઇ ગયેલા મંદિરો કે ગુરૂદ્વારાઓના સમારકામ પ્રત્યે પણ સંપૂર્ણ દુર્લક્ષ સેવે છે. તેથી તત્કાળ બંધારણીય અને કાનુની સુધારા કરવા જરૂરી છે.
આ સમિતિની સેશનના પહેલા જ દિવસે તે સેશન બોલાવનાર સેનેટર દાનેશ કુમારે કહ્યું હતું કે આ સમિતિએ ખરા અર્થમાં તે મંદિરો અને ગુરૂદ્વારાઓના રક્ષણ માટે પગલા લેવા જોઈએ. પાકિસ્તાનમાં લઘુમતિઓના સંવૈધાનિક અધિકારો પણ છીનવાઈ રહ્યા છે. તેઓને બંધારણીય રીતે જૅ ન્યાય મેળવવાનો અને સમાનતાનો અધિકાર છે જ. જયારે લઘુમતિઓ સમિતિના સભ્ય ડો. રમેશ કુમાર વાંકવાણીએ ઇવેકયુઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઇટીપીબી)ની નિષ્ફળતાઓ દર્શાવતાં કહ્યું હતું કે મંદિરો અને ગુરુદ્વારાઓનાં સમારકામ તથા તેની સારી વ્યવસ્થા અનિવાર્ય છે. પરંતુ તેનું અધ્યક્ષપદ કોઈ બિન મુસ્લિમને આપવું જોઈએ. મોટાભાગના આ ધાર્મિક સ્થળોને ભાગલા બાદથી જ ખંડેર સ્થિતિમાં છોડી દેવાયા હતા.

