New Delhi,તા.23
જમ્મુ અને કાશ્મીરમાં પહલગામ નજીક અનંતનાગ જિલ્લામાં મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે ઓળખાતી બૈસરન ઘાટી વિસ્તારમાં ગઈ કાલે બપોરે અઢી વાગ્યે આતંકવાદીઓએ કરેલા હુમલામાં 27 ટૂરિસ્ટોનાં મૃત્યુ થયાં છે, જીવ ગુમાવનારા મોટા ભાગના લોકોમાં મૃતકોમાં પુરુષોનો સમાવેશ છે.
એક ઇટલીનો નાગરિક છે, એક ઇઝરાયલનો છે, એક નેપાલનો છે, એક UAEનો છે, ચાર જણ સ્થાનિક છે અને બાકીના ભારતના વિવિધ ભાગમાંથી આવેલા ટૂરિસ્ટ છે.
જે સ્થળે હુમલો થયો છે ત્યાં રોડ નથી, માત્ર ખચ્ચર કે પગપાળા ત્યાં સુધી પહોંચી શકાય છે. આતંકવાદીઓ બૈસરન ઘાટીના પહાડથી નીચે ઊતર્યા હતા અને ઘોડેસવારી કરતા ટૂરિસ્ટો પર હુમલો કર્યો હતો.
આ હુમલો ચાર આતંકવાદીઓએ કર્યો હતો જેમાંથી ત્રણ પાકિસ્તાની અને એક કાશ્મીરી હોવાનું માનવામાં આવે છે. ટૂરિસ્ટો ઘોડેસવારી કરી રહ્યા હતા ત્યારે બપોરે આ હુમલો કરવામાં આવ્યો હતો અને આતંકવાદીઓએ આર્મીના યુનિફોર્મ જેવાં કપડાં પહેર્યાં હતાં અને ટૂરિસ્ટોને પંજાબીમાં તેમનો ધર્મ પૂછ્યો હતો.
ધર્મની જાણકારી મેળવ્યા બાદ આતંકવાદીઓએ તેમની પાસે રહેલી AK47- રાઇફલમાંથી 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું કે હુમલો કર્યા બાદ આતંકવાદીઓ ફરાર થયા હતા. ગરમીના દિવસોમાં જમ્મુ અને કાશ્મીરમાં ટૂરિસ્ટો મોટા પ્રમાણમાં આવે છે એથી આવો હુમલો કરીને તેઓ ટૂરિસ્ટોને આવતા રોકવા માગે છે.