New Delhi તા.1
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલે દેશમાં આંતરિક સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ વિધાનમાં જણાવ્યું હતું કે 2013 બાદ કાશ્મીરને બાદ કરો તો દેશમાં એક પણ ત્રાસવાદી હુમલો થયો નથી અને રાષ્ટ્રીય સુરક્ષાની સ્થિતિ પણ બહેતર બની છે.
સરદાર પટેલ મેમોરીયલ લેકચરમાં સંબોધન કરતા તેઓએ દાવો કર્યો કે, એ વાત પર કોઈ વિવાદ નથી કે દેશમાં ત્રાસવાદી સામે પ્રભાવી રીતે મુકાબલો કરવામાં આવ્યો છે. દેશમાં આંતરિક સુરક્ષાની સ્થિતિ વધુ બહેતર બનાવી છે. જો કે કાશ્મીરમાં પહેલગામ સહિતના ત્રાસવાદી હુમલા જે થયા છે તેનો ઉલ્લેખ કર્યા વગર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એ દાવો કર્યો કે આ આતંકવાદગ્રસ્ત રાજયોને બાદ કરો તો દેશમાં ત્રાસવાદ સામેની સુરક્ષા બહેતર બની છે.
તેમણે સ્વીકાર્યુ કે, દુશ્મનોએ પોતાની ગતિવિધિ જારી રાખી છે પણ એ પણ કહી શકાય કે 2014 બાદ ડાબેરી ઉગ્રવાદમાં પણ ઘટાડો આવ્યો છે અને અનેક પ્રયત્નો છતાં પણ આંતરિક રીતે કોઈ મોટી ઘટના બની નથી.
તેમણે કહ્યું કે, દેશમાં હવે નકસલવાદ 2014ની સરખામણીમાં ફકત 11 ટકા વિસ્તારોમાં રહ્યો છે. અગાઉ જે વિસ્તારોને નકસલગ્રસ્ત જાહેર કરાયા હતા તેમાંથી મોટાભાગને સુરક્ષિત જાહેર કરી દેવાયા છે.
તેમણે જણાવ્યું કે, ભારતે આતંકવાદ અને આંતરિક સુરક્ષા સામેના જોખમ સામે કામ લેવાની ક્ષમતા બનાવી લીધી છે. જો કે તેમણે સ્વીકાર્યુ કે પુરતી સુરક્ષા વ્યવસ્થા મોજૂદ છે તેવું કહી શકાય નહી પરંતુ આપણે તે બાજુ જઈ રહ્યા છીએ.
એટલું જ નહી સરકારી કાનૂનો અને નીતિઓનો પણ અમલ વધુ સારી રીતે થયો છે. તેમણે કહ્યું કે મહિલાઓની સુરક્ષાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને તેની અસર પણ જોઈ શકાય છે. જો કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે પોતાના પ્રવચનમાં પુલવામાંથી લઈને પહેલગામ સુધીના આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો ન હતો.

