Junagadhતા. 20
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આજે ગુજરાતના મુખ્યમંત્રી સાથે ગંભીર મુદ્દે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં નાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ઘણીવાર એવું બનતું રહ્યું છે કે, દીકરી ૧૮ વર્ષની થતાની સાથે જ થોડા દિવસો કે મહિનામાં તેને કોઈ ભગાડી જાય છે, જે સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે.
ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે આજના સમયમાં મોટા ભાગના સમાજો દીકરીના લગ્ન ૨૧ થી ૨૨ વર્ષની ઉંમર પછી જ કરે છે. અને કોઈ હવે સમાજ ૧૮ વર્ષની ઉંમરે દીકરીઓના લગ્ન કરાવતો નથી. જે બાબતે સમાજે પ્રગતિ કરી છે, પરંતુ સરકારના નિયમોમાં કોઈ પ્રગતિ થઈ નથી. હજુ પણ ૧૮ વર્ષની ઉંમરે દીકરીના લગ્ન થઈ શકે તેવો કાયદો છે. તો હવે હાલની પરિસ્થિતિમાં દીકરીઓની સલામતી અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે દીકરીઓની લગ્નની કાનૂની ઉંમર ૨૧ વર્ષ સુધી વધારવી જોઈએ. આ સાથે ઇટાલિયા એ પણ રજૂઆત કરી કે, દીકરીના રહેઠાણના પુરાવા પ્રમાણે તેના ગામમાં જ લગ્નની નોંધણી થાય એવો નિયમ લાવવા જરૂરી છે, જેથી લગ્ન નોંધણી કૌભાંડને અસરકારક રીતે રોકી શકાય અને દીકરીઓની જિંદગીને બચાવી શકાય.
ગોપાલ ઇટાલીયાએ આ મુલાકાત દરમ્યાન રાજ્યમાં ચાલી રહેલા લગ્ન નોંધણી કૌભાંડના ઉદાહરણો પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે પંચમહાલના એક ગામમાં ગામની કુલ વસ્તી કરતાં વધુ લગ્ન નોંધાયા છે, જ્યારે અનેક ગામડાઓમાં પણ આવી જ શંકાસ્પદ નોંધણીઓ થઈ રહી છે, જે સીધો કૌભાંડ તરફ ઈશારો કરે છે. ઉદાહરણ તરીકે સાબરકાંઠાની દીકરીને ફસાવીને અમરેલીમાં એક તલાટીએ પૈસા લઈને લગ્નની નોંધણી કરાવવાના બનાવો સામે આવી રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે એક તલાટી દ્વારા જ ૧૮૦૦ જેટલી લગ્નની નોંધણી કરવામાં આવી છે.
ગોપાલ ઇટાલીયાએ દાવો કર્યો કે નાની વયની દીકરીઓને ભગાડીને લઈ જવાનું એક ખૌફનાક ષડયંત્ર ચાલી રહ્યું છે, જેને રોકવા માટે રાજ્ય સરકારે કડક કાયદાકીય પગલાં લેવાની તાત્કાલિક જરૂર છે. કારણ કે આયોજનબદ્ધ રીતે દીકરી ૧૯ વર્ષની થાય તેના એક બે દિવસમાં કે એક જ મહિનામાં દીકરીને કોઈ ભગાડી જાય છે અને તે લોકોને પૈસા પણ આપવામાં આવે છે, સંરક્ષણ પણ આપે છે અને બીજા કોઈ દૂરના ગામડાઓમાં લઈ જઈને તેમના લગ્ન નોંધણી કરાવી દેવામાં આવે છે અને આમાં અનેક કૌભાંડ કરનારા તલાટીઓ પણ સામેલ છે. તો આ તમામ પરિસ્થિતિને રોકવા માટે સરકાર તાત્કાલિક પગલા લે તેવી અમારી માંગ છે. તેમ ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું.

