Junagadh,તા.૧૮
જુનાગઢમાં આયોજિત કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની સૂચક ગેરહાજરી જોવા મળી. કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાત કોંગ્રેસના કાર્યક્રમમાં ગેરહાજર જોવા મળ્યા. ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ પ્રતાપ દુધાતની ગેરહાજરીની ગંભીરતા નોંધ લીધી છે. અગાઉની શિબિરમાં પણ પ્રતાપ દુધાત હાજર ન રહ્યા હતા. આ બાદ પ્રતાપ દૂધાતને હાંકી કાઢવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યારે આ મામલે પ્રતાપ દૂધાતનો મોટો ખુલાસો આવ્યો છે.
કોંગ્રેસની પ્રાશિક્ષણ શિબિરમાં ગેરહાજરનો મુદ્દો વકર્યા બાદ પ્રતાપ દૂધાતે ખુલાસો કરતા કહ્યું કે, કોંગ્રેસ છોડવાની કોઈ વાત નથી. મારે ઘરે કોઈનું દુઃખદ અવસાન થયું હોવાથી મેં ગેરહાજર રિપોર્ટ મુક્યો હતો. પ્રદેશ પ્રમુખની રજા પણ લીધી હતી. પાર્ટીમાંથી કોઈએ હાઇકમાન્ડને મિસગાઈડ કર્યા છે, તેનો જવાબ કોંગ્રેસ આપશે. આગળ કોંગ્રેસના નેતાએ કહ્યું કે, હાઇકમાન્ડ જવાબ આપશે એટલે કોંગ્રેસમાં ક્યાંય અંદર ખાને વિરોધ હોવાની ચર્ચા થઈ રહી છે. આજે હું સરદાર યાત્રામાં જોડાયો છું, માં ખોડલના દર્શન કરવા આવ્યો છું. આવનારા દિવસોમાં પણ લોકોના પ્રશ્ન માટે લડીશ. હાલ પક્ષમાં નિષ્ક્રિય રહેવાનું કારણ પારિવારિક હતું, જે અમુક રાજકીય લોકોને ખબર હતી. મારા માટે મારા પરિવારથી વિશેષ મારે કંઈ ન હોઈ શકે.
તો બીજી તરફ, પ્રતાપ દુધાતે નામ લીધા વગર પાર્ટીમાં કેટલાક લોકો કિન્નખોરી રાખતા હોવાનો આક્ષેપ કર્યો. તેમણે આ મુદ્દે કહ્યું કે, જે લોકોએ અટકચાળો કર્યો છે તે મીડિયા મારફતે ખબર પડી જશે. પ્રતાપ દુધાતે શિસ્ત બહાર ક્યારે કામ કર્યું નથી અને કરશે પણ નહીં. મેં હોદ્દા માટે રાજનીતિ કરી નથી, મને પાર્ટીએ ઘણું આપ્યું છે. પાર્ટી હોદ્દા આપી પણ શકે અને લઈ પણ શકે પણ મારો મતાધિકાર ક્યારે લઈ શકવાના નથી.
અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત ન આવતાં હાઈકમાન્ડ લાલઘૂમ થઈ હતી. કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાતની સૂચક ગેરહાજરીની ગંભીરતાથી નોંધ લેવાઈ છે. અને પ્રતાપ દૂધાતને પ્રમુખ પદ તરફથી હાંકી કાઢવાનો નિર્ણય લેવાયો હતો. તેમજ જિલ્લા પ્રમુખની નિમણૂંક બાદ તાલુકા સંગઠનની પણ પ્રતાપ દૂધાતે નિમણૂંક નથી કરી. ત્યારે પ્રતાપ દૂધાતની ગેરહાજરી પર અનેક સવાલો પેદા થઈ રહ્યાં હતા. આખરે પ્રતાપ દૂધાતે સ્પષ્ટતા કરી દીધી છે.