Ahmedabad, તા.30
અમદાવાદમાં 241 પ્રવાસીઓનો ભોગ લેનારી વિમાની દુઘર્ટનાના કારણ વિશે હજુ સચોટ તારણ બહાર આવ્યું નથી. ત્યારે એર ઈન્ડીયાનાં વડા કેમ્પબેલ વિલ્સને એવો દાવો કર્યો હતો કે 12મી જુને સર્જાયેલી દુર્ઘટનાની પ્રાથમીક તપાસમાં એરલાઈન્સનાં ઓપરેશન કે વિમાનની સીસ્ટમમાં કોઈ ખામી માલુમ પડી નથી.
12મી જુને એર ઈન્ડીયાનું લંડન જતુ બોઈંગ 787-8 ટ્રીમલાઈનર વિમાન ઉડાન ભર્યાની ગણતરીની સેક્નડમાં જ તુટી પડયુ હોવાનું અને તેમાં 241 લોકોનો ભોગ લેવાયો હતો તે અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાનાં એક મહિનાંમાં 4 એરક્રાફટ એકસીડન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યુરોએ વચગાળાનો રીપોર્ટ જારી કર્યો હતો જેમાં વિમાને ઉડાન ભર્યાની સાથે જ બન્ને એન્જીનની ઈંધણ સપ્લાય કપાઈ ગયાનો દાવો કરવામાં આવ્યો હતો.
એર ઈન્ડીયાનાં વડાએ ક્હયું કે ઉડ્ડયન ક્ષેત્રમાં અમારી કે અન્ય કોઈપણ એરલાઈન્સ સાથે દુર્ઘટના બને તો તે આત્મ નિરિક્ષણ કરવાનો વિષય હોય છે.વચગાળાનાં રીપોર્ટમાં વિમાનનાં એન્જીનમાં કોઈ ખામી ન હોવાનું કે એરલાઈન્સનાં ઓપરેશનમાં કોઈ ક્ષતિ ન હોવાનું સ્વીકારાયુ છે છતાં એરલાઈન્સ ઓપરેશનમાં કેવી રીતે વધુ સુધારો થાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવતા જ હોય છે.
વિમાન દુર્ઘટના બાદ પ્રથમ વખત જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા કેમ્પબેલ વિલ્સને કહ્યું કે દુર્ઘટના મૃતકો તેમના પરિવારો, ઉપરાંત કંપની તથા તેના સ્ટાફ માટે પણ દુસ્વપ્ન સમાન હતું.
પીડીત પરિવારોને સહાયભુત થવા માટે કંપનીએ તાત્કાલીક કર્મચારીઓને મોકલ્યા હતા. અસરગ્રસ્તોની મદદ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે.વચગાળાની નાણાંકીય સહાય પણ આપી દેવામાં આવી છે. આખરી વળતરની પ્રક્રિયા અંતિમ તબકકામાં છે. તપાસનીસ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ કરવામાં આવી રહ્યો છે. સલામતીના નવા કદમ પણ ઉઠાવ્યા છે.




