New Delhi,તા.25
એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે શુભમન ગિલ ઉપ-કેપ્ટન રહેશે. ટીમમાં અભિષેક શર્માથી લઈને હાર્દિક પંડ્યા સુધી, જસપ્રીત બુમરાહ અને હર્ષિત રાણાને પણ ટીમમાં સ્થાન મળ્યું છે, પરંતુ ભારતીય ટીમમાં કેટલાક ખેલાડીઓ એવા છે જે પહેલીવાર એશિયા કપ રમશે.
અભિષેક શર્મા
ઓપનર અભિષેક શર્માએ 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યારે છેલ્લો એશિયા કપ 2023માં રમ્યો હતો. અભિષેકનો T20 ક્રિકેટમાં સ્ટ્રાઈક રેટ 194 છે અને તેણે અત્યાર સુધીની 17 મેચની T20 કારકિર્દીમાં બે સદી પણ ફટકારી છે.
વરુણ ચક્રવર્તી
વરુણ ચક્રવર્તીએ 2021નો T20 વર્લ્ડ કપ રમ્યો હતો, પરંતુ તે પછી તેને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો હતો. 2024 માં વાપસી કર્યા પછી તેણે 12 મેચમાં 31 વિકેટ લીધી છે. તે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો મુખ્ય અને સૌથી ઘાતક સ્પિન બોલર સાબિત થઈ શકે છે.
સંજુ સેમસન
સંજુ સેમસનએ 2015 માં આંતરરાષ્ટ્રીય સ્તરે પદાર્પણ કર્યું હતું, પરંતુ ટીમમાં વારંવાર સમાવેશ અને ડ્રોપ થવાને કારણે તે એશિયા કપ રમી શક્યો નહતો. તે ઈંગ્લેન્ડ સામે સારો દેખાવ કરી શક્યો ન હતો, પરંતુ તે પહેલાં તેણે 5 ઇનિંગ્સમાં 3 સદી ફટકારીને પસંદગીકારોનો વિશ્વાસ જીત્યો હતો.
રિંકુ સિંહ
ભારતીય ટીમમાં ફિનિશરની ભૂમિકા ભજવતા રિંકુ સિંહને એશિયા કપ ટીમમાં સ્થાન મળવાની આશા ન હતી. તેમ છતાં, તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો અને પસંદગીના થોડા દિવસો પછી તેણે યુપી T20 લીગમાં 48 બોલમાં 108 રનની તોફાની ઇનિંગ્સ રમીને દાવો કર્યો છે કે, એશિયા કપ પહેલા તેની તૈયારીઓ યોગ્ય છે.
જીતેશ શર્મા
આ વિકેટકીપર બેટ્સમેન IPL 2025 માં RCB માટે ઘણી તોફાની ઇનિંગ્સ રમીને એશિયા કપ ટીમમાં પહોંચી ગયો છે. જોકે, વિકેટકીપર તરીકે તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં તે સ્પષ્ટ નથી. ખાસ કરીને શુભમન ગિલના ટીમમાં આગમન પછી, પ્લેઇંગ ઇલેવન કોમ્બિનેશનમાં ફેરફાર નિશ્ચિત માનવામાં આવે છે.