નેશનલ ન્યુઝ ચેનલ સાથે સંકળાયેલા હોવાની ઓળખ આપી બંને કહેવાતા પત્રકાર ચોપાનિયામાં રિપોર્ટ છપાવતા
Bhuj,તા.18
બદનામ કરવાની, ખોટાં કેસમાં ફસાવી દેવાની ધાકધમકી આપી ખંડણીની માંગણી અને વસૂલાત કરવાના બે ગુનામાં અંદર થયેલાં ભુજના ટીવી પત્રકારોની બેલડી પર હવે ખંડણીની ત્રીજી ફરિયાદ દાખલ થઈ છે. એલસીબીએ ગુનામાં વપરાયેલી કાર અને રિવોલ્વર મળી રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ ભુજમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલા બે પત્રકારો વાજિદ ચાકી અને અલીમામદ ચાકી સામે ત્રીજી ફરિયાદ નોધાઈ છે. ભુજના તબીબ સત્યમ ગણાત્રાએ બી ડિવિઝન પોલીસમાં લખાવેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર તેઓ ખેડૂત ખાતેદાર છે અને તેમની સામે ગત વર્ષે ૨૦૨૪ માં ગણોતધારા હેઠળ લેન્ડ એગ્રીકલ્ચર ટ્રિબ્યુનલમાં ફરિયાદ થઈ હતી. ૯/૪/૨૫ ના તેમની તરફેણમાં મામલતદાર દ્વારા ચુકાદો અપાયો હતો. આ કેસ ચાલતો હતો એ દરમ્યાન વાજિદ અને અલી બંને પત્રકારો તેમને મળવા આવ્યા હતા અને પોતે નેશનલ ન્યૂઝ ચેનલના પત્રકારો છે એવી ઓળખ આપી હતી. બંને પત્રકારોએ તબીબને ધમકાવી જમીન કેસમાં તેમના વિરુદ્ધ ચુકાદો આપવી જમીન શ્રી સરકાર કરાવવાની ચીમકી ઉચ્ચારી હતી. સાથે સાથે તબીબને ગુનેગાર તરીકે સોશિયલ મીડિયા અને અખબારોમાં બદનામ કરવાની ધમકી આપી ૫ લાખ રૂપિયા માંગ્યા હતા. તબીબ તાબે ન થતા તેમને બોગસ ખેડૂત ખાતેદાર તરીકે બ્લેક મેઇલિંગ કરતા સમાચારો નાના મોટા ચોપાનિયામાં છપાવ્યા હતા.
તબીબની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ પણ ફરી હોસ્પિટલ્સમાં બંનેએ આવી આ હુકમ રદ્દ કરાવવાની ધમકી આપી ફરીવાર ૫ લાખ રૂપિયા માંગ્યા હતા. આ દરમ્યાન વાજિદે પોતાની કમરે લટકાવેલ રિવોલ્વર તરફ વારંવાર ઈશારાઓ કરી તબીબને રિવોલ્વર બતાવી હતી. બંનેએ જમીન કેસમાં બદનામ કરવાની અને હોસ્પિટલ બંધ કરાવાનો વારો આવશે એવી ધમકી આપી હતી. દરમ્યાન પોતે ચૂપ રહ્યા હતા પરંતુ હવે જ્યારે પોલીસ ફરિયાદ થઈ અને પોલીસે અપીલ કરી એટલે હિંમત બતાવી ગુનો દાખલ કરાવ્યો હોવાનું જણાવ્યું છે. દરમ્યાન એલસીબી પોલીસે વાજિદ ચાકીની રિવોલ્વર અને કાર. મળી રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.