Dubai,તા.15
ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું છે. વિવાદોથી ઘેરાયેલી આ મેચમાં પાકિસ્તાનની ટીમ ક્યારેય જીતની નજીક દેખાઈ ન હતી. પાકિસ્તાનની ટીમે પહેલા બેટિંગ કરતા 127 રન બનાવ્યા, જેના જવાબમાં ભારતીય ટીમે 25 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધું. આ જીત સાથે ભારતીય ટીમે સુપર-4 (એશિયા કપ ઇન્ડિયા સુપર 4) માં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. ભારતે એશિયા કપ 2025 ની છઠ્ઠી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું છે અને એશિયા કપ 2025માં ભારતની આ સતત બીજી જીત છે.
ભારતીય ટીમે શાનદાર અને આક્રમક બેટિંગ કરીને પાકિસ્તાનને હરાવ્યું છે. મેચમાં જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ જીત સેનાને સમર્પિત કરી છે. સૂર્યકુમારે કહ્યું કે, ‘અમે(ટીમ ઈન્ડિયા) પહલગામના પીડિત પરિવારોની સાથે ઉભા છીએ. અમે પોતાની એકજુટતા વ્યક્ત કરીએ છીએ, આ જીતને પોતાના તમામ સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માગીએ છીએ. આજની જીત સુરક્ષા દળોને સમર્પિત છે. આજની જીત સેનાના શૌર્યને સમર્પિત છે. આશા છે કે તેઓ અમને પ્રેરિત કરતા રહેશે. ટીમ ઈન્ડિયાની જીત પહલગામ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ છે.’
સૂર્યકુમારે કહ્યું કે, ‘આ ખૂબ શાનદાર અનુભવ છે અને આ ભારતને એક પરફેક્ટ રિટર્ન ગિફ્ટ મળી છે. જ્યારે તમે આ અંગે વિચારો છો, તો સતત તમારા મગજમાં ચાલતું રહે છે. તમે નક્કીથી જીત ઈચ્છો છો અને જ્યારે જીતો છો તો આ એક અદભુત ક્ષણ હોય છે. એક એવું બોક્સ છે, જેમાં હું હંમેશા ટિક કરવા ઇચ્છતો હતો, મેચના અંત સુધી બેટિંગ કરવા ઇચ્છતો હતો.અમારી ટીમ માટે આ માત્ર એક મેચ હતી. અમે દરેક પ્રતિસ્પર્ધી ટીમ વિરૂદ્ધ સમાન તૈયારી કરીએ છીએ. થોડા મહિનાઓ પહેલા જ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમે પોતાનો ટોન સેટ કર્યો. હું હંમેશા સ્પિનરોનો મોટો પ્રશંસક રહ્યો છું, કારણ કે તેઓ મેચને મિડલ ઓર્ડરમાં કંટ્રોલમાં રાખે છે.’