Bangalore.તા.07
શહેરમાં એક 30 વર્ષીય ગુજરાતી યુવતીની સાત સ્કૂલોમાં બોમ્બની ધમકી આપતો ઇમેલ મોકલવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. અંગત બદલો લેવા યુવતીએ આ કૃત્ય કર્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રેની જોશીડા સોફ્ટવેર એન્જિનિયર છે, તેણે પ્રેમ સંબંધનો પ્રસ્તાવ નકારનારા એક યુવકને ગુનાહિત કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે બેંગ્લુની સાત શાળાઓને બોમ્બની ધમકીના ઇમેઇલ મોકલ્યા હતા, જેમાં તેને આશા હતી કે ડિજિટલ ટ્રેસ તે યુવક તરફ દોરી જશે.
પોલીસે જણાવ્યું કે, રેનીએ પોતાનું લોકેશન છુપાવવા માટે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. તેણે અનેક ઓનલાઈન એકાઉન્ટ બનાવવા માટે ગેટ કોડ નામની મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને નકલી નંબરો જનરેટ કર્યા હતા.
વધુ તપાસમાં સામે આવ્યું કે તેણે યોજનાને અંજામ આપવા માટે અલગ-અલગ નામે સાત વોટ્સએપ એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા. ધમકીભર્યા ઇમેઇલ મળ્યા બાદ પોલીસે શાળાના પરિસરોમાં સર્ચ કર્યું હતું, પરંતુ કોઈ વિસ્ફોટકો મળ્યા નહોતા. જોકે, સાવચેતીના ભાગરૂપે શાળાઓને થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી.
અધિકારીઓએ એ પણ પુષ્ટિ કરી કે આરોપી મહિલાની અગાઉ ચેન્નઈ પોલીસ દ્વારા પણ આ પ્રકારની બોમ્બ ધમકીની ઘટનામાં ધરપકડ કરવામાં આવી હતી. તેણી તમિલનાડુ અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ફોજદારી કેસોનો સામનો કરી રહી છે.

