Gujarat,તા.24
ગુજરાતના કેટલાક માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. માર્ચ એન્ડિંગની કામગીરીને કારણે બોટાદ, જામનગર અને ઊંઝા માર્કેટ યાર્ડમાં એક અઠવાડિયા માટે હરાજી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માર્કેટ યાર્ડમાં વાર્ષિક હિસાબની કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે, પહેલી એપ્રિલ 2025થી યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરુ થશે.
બોટાદ માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગની કામગીરીને કારણે 25મી માર્ચથી 31મી માર્ચ 2025 સુધી હરાજી બંધ રહેશે. માર્કેટ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરીયાએ જણાવ્યું કે, ‘પહેલી એપ્રિલ 2025થી યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરુ થશે. આ દરમિયાન કોઈપણ જણસી ન લાવવી. 25થી 31મી માર્ચ માર્કેટ યાર્ડમાં વાર્ષિક હિસાબની કામગીરી હાથ ધરવામાં આવશે.’
ઊંઝા APMC દ્વારા ઊંઝા ગંજબજાર 26મી માર્ચથી પહેલી એપ્રિલ 2025 સુધી માર્કેટ યાર્ડ બંધ રહેશે. ઊંઝા એપીએમસી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે માર્ચ એન્ડિંગમાં વેપારીઓને પોતાના હિસાબો કરી શકે તે માટે ઊંઝા માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઊંઝા વેપારી ઍસોસિએશનની રજૂઆતના પગલે ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. બીજી તરફ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે હિસાબ-કિતાબ માટે 24મી માર્ચથી 31મી માર્ચ સુધી તમામ પ્રકારની જણસીની આવક તથા હરાજીની કામગીરી બંધ રાખવામાં આવશે છે. જે પહેલી એપ્રિલથી રાબેતા મુજબ યાર્ડની કામગીરી શરુ કરવામાં આવશે.