(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૯
મોરબીમાં રાત્રિના સમયે પરપ્રાંતીય મજુરોને છરી બતાવી લૂંટ ચલાવતી અને લેબર ક્વાર્ટરમાંથી મોબાઈલની ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીતોને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, તીક્ષ્ણ છરી, રોકડ રકમ અને બાઈક સહિત કુલ ૭૫૩૦૦ નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની વિગતો અનુસાર, ભરતનગરથી ખોખરા હનુમાન તરફ જતા રોડ પર રાત્રિના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં અજાણ્યા શખસોએ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી ભય બતાવી બળજબરીપૂર્વક ૨ મોબાઈલ ફોન કિંમત ૧૦,૦૦૦ અને રોકડા ૧૦૦૦ ની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત, રંગપર જીવાપર ગામ તરફ જતા રોડ પર આવેલ લુપ્ટેન સીરામીકની લેબર ક્વાર્ટરમાંથી જુદી જુદી કંપનીના ૦૭ મોબાઈલ કિંમત ૨૭,૦૦૦ ની ચોરી થઈ હતી. જે બંને ગુનાનો ભેદ ઉકેલવા મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીના આધારે ખોખરા હનુમાન તરફ જતા રોડ પરથી વાંકાનેરના કોટડાનાયાણીના મૂળ વતની અને હાલ મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા વિકાસભાઈ અનિલભાઈ લોરીયા, ભુપતભાઈ મોહનભાઈ ચૌહાણ તથા મહેન્દ્રનગરના મૂળ વતની ચિરાગભાઈ નાનજીભાઈ ચાવડાને મોરબી તાલુકા ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૧૨ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિંમત ૫૪,૦૦૦, એક તીક્ષ્ણ અણીદાર છરી કિંમત ૩૦૦, રોકડા ૧૦૦૦ તથા એક એક્સેસ મોટરસાઇકલ કિંમત ૨૦,૦૦૦ મળી કુલ ૭૫,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓ પૈકી વિકાસ લોરીયા અને ભુપત ચૌહાણ અગાઉ પણ ચોરી, પ્રોહીબીશન અને દારૂના ગુનાઓમાં ઝડપાઇ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.

