પિતા-પુત્રોએ પથ્થરના ઘા ઝીંક્યા બાદ યુવકને પકડી રાખી છરી હુલાવતા ઇજા : શાપર(વે.) પોલીસમાં ગુનો
Rajkot,તા.31
રાજકોટ શહેરની ભાગોળે આવેલ શાપર વેરાવળમાં યુવાનને રીક્ષાચાલક પિતા-પુત્રોએ છરીના ઘાં ઝીંકી દીધાનો બનાવ સામે આવ્યો છે. પગપાળા ઘરે જઈ રહેલા યુવાન પાસેથી રીક્ષાનો કાવો મારીને નીકળેલા ચાલકને ટપારવા જતાં યુવકને માર મરાયો હતો. મામલામાં શાપર પોલીસે પિતા-પુત્ર ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
શાપર(વે.)માં ગંગા ગેઇટ નજીક મફતિયાપરામાં રહેતા વિજયભાઈ મોહનભાઈ સોલંકી નામના 23 વર્ષીય યુવાને શાપર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાહુલ વિનુ મારવાડી, અનિલ વિનુ મારવાડી, વિનુ મારવાડીનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગોદાવરી ગેટ પાસે પહોંચેલ તે વખતે ગેટની અંદર જતા રસ્તા પર સામેથી રાહુલ વિનુભાઈ મારવાડી ઓટો રીક્ષા લઈને આવેલ અને મારી સામે રીક્ષાનો કાવો મારેલ હતો. જેથી મેં કહેલ કે, તું મારી સામે રીક્ષાનો કાવો કેમ મારે છે તેમ કહેતા રાહુલ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને રીક્ષા સાઈડમાં રાખી મારી પાસે આવી ઝગડો કરવા લાગેલ હતો. બાદ અમારા બંને વચ્ચે ઝપાઝપી થયેલ હતી. બાદ રાહુલે ફોન કરી તેના ભાઈને બોલાવ્યો હતો.
થોડીવારમાં રાહુલનો ભાઈ અનીલ મારવાડી અને રાહુલના પિતા વિનુ મારવાડી ધસી આવ્યા હતા અને ત્રણેય પિતા-પુત્રોએ મને બેફામ ગાળો ભાંડી હતી. બાદ વિનુ મારવાડી અને અનિલ મારવાડીએ મને પકડી રાખી છુટા પથ્થરના ઘા મારવા લાગ્યા હતા. બાદ રાહુલ છરી કાઢી મને મારવા જતા મેં છરી પકડી લેતા મને જમણા હાથની ટચલી આંગળીની બાજુમાં છરી વાગી ગઈ હતી. બાદ કોઈકે મારા જાણ કરતા મારા પિતા મોટરસાયકલ લઈને આવેલ અને મને મોટરસાયકલમાં બેસાડી શાપર સરકારી દવાખાને લઈ ગયેલ હતા. બાદ ત્યાંથી પ્રાથમિક સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
બનાવને પગલે શાપર પોલીસે યુવાનની ફરિયાદ પરથી ત્રણેય પિતા-પુત્રો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જયારે સામાપક્ષે રાહુલ વિનુભાઈ રાણા પણ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે આક્ષેપ કર્યો હતો કે, ગઈકાલે ગોદાવરી ગેટ પાસે સાંજે ૫/૩૦ વાગ્યે અજાણ્યા શખ્સોએ તેને આંતરી હુમલો કર્યો હતો.