Rajkot. તા.07
વિજય પ્લોટ પર ઠાકર ચાની હોટલના સંચાલકની દાદાગીરી સામે આવી હતી. જેમાં રૂપીયાની ઉઘરાણી મામલે યુવાન પર હોટલ સંચાલક સહિત ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કરતાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે રેલનગર-2 માં શેરી નં.11 માં આનંદ સ્કૂલની બાજુમાં રહેતાં દિવ્યરાજસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા (ઉ.વ.21) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હાર્દિકસિંહ જાડેજા, મેઘરાજસિંહ જાડેજા અને મનદીપસિંહ જાડેજાનું નામ આપતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ રેડીયેટ કંપનીમાં સી.ઈ. તરીકે નોકરી કરે છે. ગઈકાલે બપોરના બે વાગ્યાની આસપાસ તે રેલનગર ખાતે હતો ત્યારે મીત્ર હાર્દિકસિંહ જાડેજાનો ફોન આવેલ કે, તમે હોટલ ખાતે કયારે આવો છો ? તેમ પુછતા કહેલ કે હુ થોડીવારમાં આવુ છુ. આ હાર્દિકસિંહ જાડેજા સાથે વાત કરેલ અને બાદમાં બપોરના સાડા ત્રણેક વાગ્યાની આસપાસ યુવાન તેના મોટા બાપુના દિકરા લક્કીરાજસિંહ જાડેજા અને મિત્ર મીત્ર દેવરાજસિંહ ઝાલા સાથે મીત્ર હાર્દિકસિંહ જાડેજાની હોટલ જે ગોંડલ રોડ પર વિજય પ્લોટ શેરી નંબર-22 ખાતે આવેલ છે તેમની ઠાકર ચાની હોટલ ખાતે ગયેલ હતા.
આરોપી હાર્દિકસિંહ જાડેજાને બે વર્ષ પહેલા કટકે કટકે ઉછીના રૂ. 40 હજાર આપેલ હોય જે રૂપીયા પરત આપવા બાબતે તેની સાથે વાતચીત કરતો હતો ત્યારે હાર્દિકસિંહ જાડેજાએ ઉશ્કેરાઈ જઈને કહેલ કે, તારા પૈસા આપવાના થતા નથી, તુ થાઈ તે કરી લે તેમ કહી મારી બોલાચાલી કરી ગાળો આપવા લાગેલ અને તેમની હોટલ પાસે ઉભેલ તેમના મીત્ર મેઘરાજસિંહ જાડેજા તથા મનદિપસિંહ જાડેજાને હોટલમાથી ધોકા લઈને આવવાનું કહેલ હતું.
આ હાર્દિકસિંહ જાડેજા તેમની હોટલમાંથી એક લોખંડના પાઈપ અને તેના બન્ને મીત્રો હોટલમાથી હાથમાં એક-એક લાકડાના ધોકા લઈને આવેલ અને ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી હુમલો કરી દિધો હતો. યુવાન ભયભીત થતાં ત્યાંથી ભાગીને વિજય પ્લોટ શેરી નંબર-9 જે.પી ટાયર્સ નામની દુકાન ખાતે પહોચતા આ હાદિકસિંહ જાડેજાનાએ પાછળથી લોખંડનો પાઈપ માથાના પાછળના ભાગે મારતા માથાના ભાગે લોહી નીકળવા લાગતા ત્યાં રોડ પર નીચે પડી ગયેલ હતો.
દરમિયાન માણસો ભેગા થઈ જતા ત્રણેય શખ્સો ત્યાંથી જતા રહેલ હતા. જે બાદ તેમને સારવાર અર્થે સિવિલ સારવાર અર્થે ખસેડયા હતા. બનાવ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ આદરી હતી.

