પાકિસ્તાની મહિલા તેનો પુત્ર અને પૌત્ર સાથે લોધીકામાં 28 વર્ષથી સ્થાયી થયાંનો ખુલાસો
મુનાફ નામનો શખ્સ કામ અર્થે કરાચી ગયા બાદ પાકિસ્તાની મહિલા સાથે નિકાહ કરી ભારત લઇ આવ્યો’તો
Lodhika,તા.04
પહેલગામ હુમલા બાદ ભારત સરકારે સરહદ પાર અને અંદર બંને તરફ સફાયો કરવાનો નિર્ધાર કરી ગેરકાયદે ઘુષણખોરોને ખદેડી મુકવા અભિયાન શરૂ કરતા રાજ્યભરમાંથી ઘુષણખોરોને વીણી વીણીને દેશનિકાલ કરવા ગતિવિધિ તેજ કરવામાં આવી છે. હાલ સુધીમાં રાજ્યમાંથી સેંકડો ઘુષણખોરો ઝડપાઈ ચુક્યા છે જેમાં મોટાભાગનાં બાંગ્લાદેશી ઘુષણખોરો હોવાનું સામે આવ્યા બાદ રાજકોટની ભાગોળે આવેલ લોધીકાથી પોલીસે ત્રણ પાકિસ્તાનીઓને ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લોધીકા પોલીસને મળેલી બાતમીનાં આધારે પોલીસે ખાનગી રાહે તપાસ કરાવતા મુનાફ નામના શખ્સનાં ઘરેથી બે મહિલાઓ, એક પુરુષ અને એક સગીર એમ કુલ ચાર પાકિસ્તાની નાગરિકો કોઈ પણ આધાર પુરાવા વિના લોધીકામાં રહેતા હોવાનું સામે આવતા પોલીસે ચારેયને ડિટેઇન કરી પૂછપરછનો દોર શરૂ કર્યો હતો.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મુનાફ નામનો શખ્સ ત્રણેક દાયકા પૂર્વે કામ અર્થે કરાચી ગયો હતો. જ્યાં તેનો સંપર્ક એક યુવતી જેનું નામ રિઝવાનાબેન સાથે થતાં બંનેએ નિકાહ કરી લીધા હતા. બાદમાં પાકિસ્તાની મહિલા વિઝા મેળવીને ભારત આવી હતી અને લોધીકામાં સ્થાયી થઇ હતી. ભારતમાં આવ્યા બાદ મહિલાને એક પુત્ર ઝીશાન અને એક પુત્રી એમ બે સંતાન થયાં હતા. વિઝા પૂર્ણ થયાં છતાં મહિલાએ વિઝા રીન્યુ કરાવ્યા ન હતા અને તેણે લોધીકા ખાતે રહેવાનું ચાલુ રાખ્યું હતું. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર મહિલાનાં પુત્રીની ઉમર હાલ 25 વર્ષ છે જયારે દીકરાની ઉમર 22 વર્ષ છે. મહિલાનાં પુત્રનાં પણ લગ્ન થઇ ગયા છે અને તેના ઘરે પણ એક સંતાન છે અને તેઓ છેલ્લા 28 વર્ષથી લોધીકામાં રહે છે તેવી કેફીયત પાકિસ્તાની નાગરિકોએ આપી છે.
લોધીકા પોલીસે ત્રણેય પાકિસ્તાની નાગરિકોને અટકાયતમાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રાષ્ટ્રીય એજન્સીઓને જાણ કરતા ટૂંક સમયમાં સ્ટેટ આઈબી, સેન્ટ્રલ આઈબી, નેવી, બીએસએફ, એરફોર્સ અને એનઆઈએ સહીતની એજન્સીઓ દોડી આવશે અને તમામ પાકિસ્તાનીઓની પૂછપરછ કરી દેશનિકાલ કરવા તજવીજ હાથ ધરવામાં આવશે.
બે વર્ષમાં નિયમ બદલાતા પુત્રી ભારતીય અને પુત્ર પાકિસ્તાની નાગરિક બન્યો
મહિલા ભારત આવ્યા બાદ બે સંતાનોનો જન્મ થયો હતો. અગાઉ ભારતમાં એવા નિયમો હતા કે, માતા-પિતામાંથી કોઈ એક ભારતીય હોય તો સંતાન પણ ભારતીય નાગરિક ગણાય. જેથી વર્ષ 2002માં પુત્રીનો જન્મ થતાં તેણી ભારતીય નાગરિક બની હતી. જે બાદ નિયમોમાં ફેરફાર થયાં હતા કે, માતા-પિતા બંને ભારતીય હોય તો જ સંતાનને ભારતીય નાગરિકતા મળે જેના લીધે પુત્રનો જન્મ વર્ષ 2004માં થયો હતો જેના લીધે પુત્ર પાકિસ્તાન નાગરિક બન્યો હતો.