Rajkot તા.7
રાજકોટમાં લાલ બહાદુર ટાઉનશીપની બાજુમાંથી 1100 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સોને પ્ર. નગર પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી. રાજકોટનો જયદિપ, રણજીત અને ગોંડલનો મિલન જોટંગિયા મળી સુરતથી ગાંજો લઈ ટ્રેન મારફત રાજકોટ પહોંચ્યા હતાં અને પડીકી બનાવી વેંચે તે પહેલાં જ દબોચાયા હતાં.
રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડિસીપી રાકેશ દેસાઈ અને એસીપી રાધીકા ભારાઈ દ્વારા શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનુ વેચાણ અટકાવવા ” SAY NO TO DRUGS ” મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ વી.આર.વસાવાની રાહબરી હેઠળ પીએસઆઈ જે.બી.રાણીંગા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે કોન્સ્ટેબલ તૌફીકભાઈ મંધરા તથા ચાપરાજભાઈ ખવડને લાલબહાદુર ટાઉનશીપની બાજુમા આવેલ ખુલ્લા પટ્ટમાં જાહેરમાં માદક પદાર્થના જથ્થા સાથે ત્રણ શખ્સો ઉભો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડ્યો હતો.
બાતમીના સ્થળેથી જયદીપ અરવીંદ સિતાપરા (ઉ.વ. 21, રહે. સંતોષીનગર શેરી નં. 07 રેલનગર રાજકોટ), મીલન ધીરેન્દ્ર જોટંગીયા (ઉ.વ.25, રહે. ભોજરાજપરા કુંભારવાડો મામાદેવ મંદિર પાછળ વોરા કોટડા રોડ ગોંડલ) અને રણજીત છગન ચૌહાણ (ઉ.વ.21, રહે, સંતોષીનગર ઠાકરબાપાના મંદિર વાળી શેરી રાજકોટ) ને પકડી પાડી રૂ.55,400 ની કિંમતનો 1.108 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો સહિત રૂ.62400 નો મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી
હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલ ત્રણેય શખ્સો મિત્રો છે અને સુરતથી ગાંજો લઈ ટ્રેન મારફતે રાજકોટ આવ્યાં હતાં અને છૂટક પડીકી બનાવી વેંચાણ કરે તે પહેલા જ પોલીસ ત્રાટકી હતી. અગાઉ કેટલી ગાંજાની ખેપ મારી તે સહિતની વિગત કઢાવવા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.

