Jamnagar તા 30
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના કેશીયા ગામ પાસે એક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ધડાકા ભેર ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાતાં ટ્રોલી ની અંદર બેઠેલા એક બાળક અને મહિલા તેમજ ટ્રેક્ટર ચાલક સહિત ત્રણ વ્યક્તિને ઈજા થઈ છે. જોડીયા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે હળવદના ટ્રેક્ટર ચાલક ઇન્દ્રવદનભાઈ ઉર્ફે ઇન્દુભાઇ પોતાના એમ.પી. ૪૫ ઝેડ.જી. ૨૩૫૫ નંબરના ટ્રેક્ટર ની ટ્રોલીમાં અંદર મહિલા બાળકો સહિતના સભ્યોને બેસાડીને હળવદ થી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડત્રા ગામ તરફ જઈ રહ્યા હતા.
જે દરમિયાન ગઈકાલે સાંજે જોડીયા તાલુકાના કેશીયા ગામના ઓવરબ્રિજ પાસે પહોંચતાં પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી જીજે ૧૨ ઇ.ઇ. ૩૭૦૭ નંબરની કાર ના ચાલકે ટ્રેક્ટરની ટ્રોલીને પાછળથી ટક્કર મારી દીધી હતી.
જે અકસ્માતમાં ટ્રેક્ટરના ચાલક ઇન્દ્રભાઈ ઉર્ફે ઇન્દુભાઇ, ઉપરાંત ટ્રેક્ટરની ટ્રોલી માં બેઠેલા વિશાલ દિલુભાઇ માવી નામના બાળક તથા એક મહિલા સહિત ત્રણ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે, અને જોડિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવી પડી છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં જોડિયાના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.ડી. શિયાર બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને અકસ્માત સર્જનહાર કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.