દીવાલની જાળી તોડી તસ્કર કળા કરી ગયો : કુવાડવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
Rajkot,તા.17
રાજકોટ-અમદાવાદ હાઇવે પર ધમલપર ગામ નજીક આવેલો જયદીપ કોટન મામના પાવર પ્લાન્ટ કંપનીમાંથી ત્રણ હજાર મીટર કોપર વાયરની ચોરીનો બનાવ કુવાડવા પોલીસના ચોપડે નોંધાયો છે.
કોઠારીયા ગામ ખાતે રહેતા હર્ષદભાઈ રમેશભાઈ બોઘાણીએ કુવાડવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું જયદીપ કોટન (પાન પાવર) નામની પાવર પ્લાન્ટ કંપનીમાં સીનીયર એન્જીનીયર તરીકે છ વર્ષથી નોકરી કરુ છુ. મારી નોકરીનો સમય દરરોજ સવારના સાડા નવ વાગ્યાથી સાંજના સાડા છ વાગ્યા સુધીનો હોય છે. મારી સાથે વીપલભાઇ ભાલીયા તથા સાજન મહતો એન્જીનીયર નોકરી કરે છે જયારે ગોપલભાઈ, કમલેશભાઇ, જગાભાઇ, વીરમભાઇ અને માત્રાભાઈ લેબર તરીકે નોકરી કરે છે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, અમદાવાદ-રાજકોટ હાઇવે પાસે ધમલપર ગામની સીમમાં ૨૫ એકર જમીનમાં અમારી જયદીપ કોટન (પાન પાવર) નામની પાવર પ્લાન્ટની પ્રા.લી. કંપની આવેલ છે. જેમાં સોલાર પ્લાન્ટ લગાવેલ છે અને તેમાં વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે અને આ સોલાર પ્લાન્ટમાં હું અને વીપલભાઇ ભાલીયા તથા સાજન મહેતો એન્જીનીયર તરીકે મેન્ટસનું કામ સંભાળીએ છીએ. હું ગઇ તા.૦૮/૦૬/૨૦૨૫ ના રોજ પાવર પ્લાન્ટ ઓફીસે ગયેલ ત્યારે પ્લાન્ટ ચાલુ સ્થિતીમા હતો. બાદ ગઇ તા.૧૦/૦૬/૨૦૨૫ ના રોજ પ્લાન્ટના ઓટોમેટીક વિભાગમા જતા ૫ ટકા જેટલી પાવરની મીસ્ટેક લેબરને જણાયેલ હતું. જેથી લેબરે મને ફોન કરીને જાણ કરતા હું તથા વિપુલભાઈ પ્લાન્ટની અંદર ગયેલ હતા. જ્યા ચારેય લેબરો હાજર હતા અને સફાઇ કામ કરતા હતા. અમે ત્યાં જઇ જોતા પેનલમા લગાવેલ કોપર વાયર મળી આવેલ નહીં. ઉપરાંત પ્લાન્ટની ફરતી દિવાલે જાળી મારેલ હોય જે જાળી તુટેલ જોવા મળેલ હતી. પેનલમા પ્લોટ નં.૪ માં બહારના ભાગે લગાવેલ જુનો તથા મેન્ટેનન્સ કરાવેલ નવો કોપર વાયર ૬ સ્કવેર એમ. એમ.ડી.સી. કેબલ અંદાજે ૩૦૦૦ મીટર જેનો વજન આશરે ૨૦૦ કિલો જેની કિંમત રૂ. ૫૬,૦૦૦ ગણી શકાય તે મળી આવ્યો ન હતો. જેથી પ્લાન્ટ માલિકને જાણ કર્યા બાદ કર્મચારીએ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પ્લાન્ટમાંથી 3000 મીટર કોપર વાયરની ચોરીને પગલે કુવાડવા પોલીસે ગુનો નોંધી સીસીટીવી સહિતના આધારે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.