Bhavnagar,તા,26
ભાવનગરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેની જવાબદારી પોલીસ વિભાગના શિરે રહેલી છે. રથયાત્રામાં સુરક્ષાને લઈને ભાવનગર પોલીસ દ્વારા ઘડવામાં આવેલા એક્શન પ્લાન પ્રમાણે યાત્રાના રૂટને પાંચ સેક્ટરમાં વિભાજીત કરી દેવામાં આવ્યો છે અને સમગ્ર રૂટમાં ત્રિ-સ્તરિય પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને રથયાત્રાની દર કલાકની અપડેટ ભાવનગર પોલીસ કંટ્રોલરૂમ અને સ્ટેટ કંટ્રોલરૂમને મોકલાશે.
અષાઢી બીજના દિવસે ભાવનગરમાં નિકળનારી રથયાત્રાને લઈને ભાવનગર પોલીસ દ્વારા છેલ્લા એક માસથી તૈયારીઓ કરવામાં આવી હતી અને આ સમયગાળા દરમિયાન ગેરકાયદે હથિયાર રાખતા ૨૧૮ શખ્સો સામે જાહેરનામા ભંગના ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત ૨૪૩ શખ્સો સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધ્યા હતા. તેમજ રૂ.૩૦ લાખથી વધારેની કિંમતનો દારૂ ઝડપવામાં આવ્યો છે. આ સિવાય રથયાત્રાના ૧૭ કિમીના રૂટના મહત્વના પોઈન્ટ પર ૧૨ વૉચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે અને કુલ ૧૬૨ સીસીટીવી કેમેરા દ્વારા ભાવનગર પોલીસ કંટ્રોલરૂમ અને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરેથી મોનિટરિંગ કરવામાં આવશે અને અહીંથી દર કલાકે એસપી, આઈજી અને સ્ટેટ કન્ટ્રોલરૂમ પર રથયાત્રાની અપડેટ મોકલાશે. ભાવનગર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટને પાંચ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યો છે અને સમગ્ર રૂટમાં ત્રિ-સ્તરિય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ત્રીજા સ્તર (ડીપ પોઈન્ટ)માં ધાબા પોઈન્ટ વૉચ ટાવરનો સમાવેશ થાય છે. બીજા સ્તર (ફીક્સ રૂટ) માં પોલીસ જવાનોની તૈનાતી થશે અને પ્રથમ સ્તરમાં રથની સાથેનો પોલીસ બંદોબસ્ત રહેશે. સમગ્ર રૂટ અને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં રથની સુરક્ષા સીટી ડિવાયએસપી સહિત ૪ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સંભાળશે. તેમજ રથયાત્રાના ૩૬ કલાક પૂર્વે રેન્જ આઈજી સહિતના અધિકારીઓ દ્વારા બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.પીજીવીસીએલના સીટી-૧ ડિવિઝનના પાંચ અને સીટી-૨ ડિવિઝનના બે સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થાય છે અને રથયાત્રા દરમિયાન કોઈ અકસ્માત ના સર્જાય અને વીજ પુરવઠો જળવાયેલો રહે તે માટે પીજીવીસીએલ દ્વારા ત્રણ શિફ્ટમાં કુલ ૪૩ ટીમોની તૈનાતી કરવામાં આવી છે. ઉપરાંત ૩ એન્જીનિયરની એક ટીમ ઓવરઓલ મોનિટરિંગ કરશે.
રથયાત્રાની સુરક્ષ વ્યવસ્થા અંગે વિગતો આપતા જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, પાંચ સેક્ટરમાં વિભાજીત રથયાત્રામાંથી નીજ મંદિરથી જશોનાથ સુધીના સેક્ટર-૧માંથી બપોરે ૨ વાગ્યા સુધીમાં રથયાત્રા પસાર થઈ ગયા બાદ સેક્ટર-૧ના તમામ પોલીસ કર્મીઓને ઘોઘારોડથી હલુરિયા ચોકના મિશ્ર વસ્તી ધરાવતા વિસ્તારમાં તૈનાત કરતો જમ્પિંગ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

