Bhavnagar,તા.16
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પધરામણી વચ્ચે ભાવનગરમાં પણ સોમવારે (16મી જૂન) આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં ભાવનગરના જેસરમાં માત્ર 4 કલાકના સમયગાળામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બુઢણાથી પાલિતાણાને જોડતા કોઝ વેની રેલિંગ ધોવાઈ ગઇ હતી. જ્યારે પાલીતાણા, મહુઆ અને વલ્લભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી.
4 કલાકમાં ભાવનગરના જેસરમાં 7 ઈંચ વરસાદ
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન 70 થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના જેસરમાં 6.97 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભાવનગરના પાલીતાણામાં 5.94 ઈંચ, મહુવામાં 5.83 ઈંચ, તળાજામાં 3.03 ઈંચ, ભાવનગરના સિહોરમાં 1.81 ઈંચ, અમરેલીના રાજુલામાં 1.69 ઈંચ, વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથ ઉનામાં 1.22-1.22 ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.14 ઈંચ, ભરૂચના હાંસોટમાં 1.06 ઈંચ, ભાવનગરના ગારિયાધારમાં 1.02 ઈંચ ખાબક્યો છે.
જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ખેડા, ભરૂચ, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, નર્મદા, નવસારી, આણંદ, તાપી સહિત વિવિધ જિલ્લાના 59 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ પ્રી-મોન્સૂન ગતિવિધિઓ સક્રિય થઈ ગઈ છે. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પવન ફૂંકાવા સાથે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેવામાં આજે બપોરના સમયે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. જેમાં શહેરના SG હાઈવે, પ્રહલાદનગર, ગોતા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, ભાવનગરના મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. પાલિતાણાના દુધાળા, ઘેટી, નાની માળ, આદપુર સહિત ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે. આ ઉપરાંત શિહોરના વરલ, બુઢણા ગામે સુપડા ધારે વરસાદ વરસ્યો છે. જ્યારે વરલ ગામની નદી ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા, સાવરકુંડલા, બાબરા, ધારી, બગસરા અને ખાંભામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ફલકુ અને મેરામણ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
આજે 5 જિલ્લામાં રૅડ ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે 16 જૂને અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદને લઈને રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, તાપી, ડાંગ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.