Ahmedabad, તા.30
રાજયમાં છાશવારે જાહેર માર્ગોમાં વિવિધ વાહનો સાથે જોખમી સ્ટંટ કરનારાઓનાં વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ત્યારે અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ `મિસરી’ના પ્રમોશન માટે નીકળેલ સ્ટારકાસ્ટ ભાન ભુલી વાહનોમાં જોખમી સ્ટંટ કરતા પોલીસે ગુન્હો નોંધી નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ આવતીકાલે ગુજરાતી ફિલ્મ `મિસરી’ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે. જેને લઈને ફિલ્મનાં સ્ટારકાસ્ટ માનસી પારેખ, ટીકુ તલસાણીયા, રોનક કામદાર અને અન્યો બાઈક, જીપમાં સ્ટંટ કરતાં હોવાના વિડીયો વાયરલ થતા અમદાવાદ એ ડીવી.પોલીસે દોડી જઈ સ્ટંટ કરનાર સ્ટારકાસ્ટ અભિનેતા વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પી.આઈ. એન.એ.દેસાઈનાં જણાવ્યા મુજબ કોઈપણ પ્રકારની પરમીશન વિના સાયન્સ સીટી વિસ્તારમાં બાઈક, જીપ સહીતનાં વાહનો નં.જી.જે.24 એ.એ.1225 અને જી.જે.01 એ 1121 માં ફિલ્મી કલાકારો ટીકુ તલસાણીયા, પ્રેમ ગઢવી, જેસલ જાડેજા સામે એમવીએકટ મુજબ ગુન્હો નોધવામાં આવ્યો છે.
નેશનલ એવોર્ડ વિજેતા માનસી પારેખ બાઈકની પાછળ સવાર હોય તેની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહિં થાય. આ બનાવમાં પોલીસે મિસરી ફિલ્મનાં પ્રોડયુસર સંજય સોનીનું નિવેદન લીધુ છે. જાહેર રોડ પર સ્ટંટબાજી કરનાર બાઈક રાઈટર જેસલ જાડેજા સામે કાર્યવાહી થશે.
સાયન્સ સીટી વિસ્તારમાં ફિલ્મ `મિસરી’ના પ્રમોશન માટે કલાકાર સહ કલાકારોએ પરમીશન વગર જાહેરમાં વાહનો ઉપર સ્ટંટ કરતાં પોલીસે કાયદાના ભંગ બદલ ગુન્હો નોંધતા ચકચાર જાગી છે.

