નવીદિલ્હી,તા.૨૮
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી ૨૦ શ્રેણી ૨૯ ઓક્ટોબરથી શરૂ થશે. સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, અભિષેક શર્મા અને તિલક વર્મા જેવા સ્ટાર બેટ્સમેન ઓસ્ટ્રેલિયન ધરતી પર પોતાની પ્રતિભા દર્શાવતા જોવા મળશે. શ્રેણીની પહેલી મેચ કેનબેરામાં રમાશે, જ્યાં ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન તિલક વર્માને એક ખાસ સીમાચિહ્ન હાંસલ કરવાની તક મળશે.
ખરેખર, તિલક વર્મા ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં એક મુખ્ય સીમાચિહ્ન હાંસલ કરવાની ખૂબ નજીક છે. તિલક અત્યાર સુધી ૩૨ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોની ૩૦ ઇનિંગ્સમાં ૯૬૨ રન બનાવી ચૂક્યો છે અને ૧૦૦૦ ટી ૨૦ રન સુધી પહોંચવા માટે તેને ફક્ત ૩૮ રનની જરૂર છે.
જો તિલક આ સિદ્ધિ હાંસલ કરે છે, તો તે ્૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦૦ રન સુધી પહોંચનાર ૧૨મો ભારતીય બેટ્સમેન બનશે. આ યાદીમાં પહેલાથી જ વિરાટ કોહલી, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ જેવા દિગ્ગજ બેટ્સમેનોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, શિખર ધવન, એમએસ ધોની, સુરેશ રૈના, ઋષભ પંત, યુવરાજ સિંહ અને શ્રેયસ ઐય્યર ભારત માટે આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.
જો તિલક વર્મા ઓસ્ટ્રેલિયા સામેની ટી ૨૦ શ્રેણીની પહેલી મેચમાં ૩૮ રન બનાવીને ૧૦૦૦ રનનો આંકડો પાર કરી લે છે, તો તે ટી ૨૦ ક્રિકેટમાં ૧૦૦૦ રન પૂરા કરનાર સંયુક્ત રીતે ત્રીજા સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બનશે. આ યાદીમાં વિરાટ કોહલી સૌથી ઝડપી બેટ્સમેન છે, જ્યારે કેએલ રાહુલ બીજા સ્થાને છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ત્રીજા સ્થાને છે.
ટી ૨૦ ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન પૂરા કરનાર ભારતીય બેટ્સમેન
વિરાટ કોહલી – ૨૭ ઇનિંગ્સ
કેએલ રાહુલ – ૨૯ ઇનિંગ્સ
સૂર્યકુમાર યાદવ – ૩૧ ઇનિંગ્સ
રોહિત શર્મા – ૪૦ ઇનિંગ્સ
ઓસ્ટ્રેલિયા સામેની ટીમ ઈન્ડિયાની ટી ૨૦ ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, વરૂણ ચક્રમસિંહ, અરદીપસિંહ, કેવલી અરવિંદ, કે. યાદવ, હર્ષિત રાણા, રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદર.

