Bhuj, તા.4
કચ્છના ભચાઉ, સામખિયાળી, રાપર સહિતના વિસ્તારમાં ચાર અલગ-અલગ અકસ્માત-દુર્ઘટનાની ઘટનામાં બે કિશોરી સહિત સાતના મોત નીપજ્યા છે. જેમાં ભચાઉ નજીક વરસાણા બ્રિજ પાસે ટ્રકે ટેમ્પોને ટક્કર મારતા ત્રણ યુવકના મોત થયા છે.
જ્યારે સામખિયાળી બ્રિજ અને મુંદ્રાના ગુંદાલા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવકે જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, રાપરમાં પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જવાથી બે કિશોરીના મોત નીપજ્યા છે. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છના ભચાઉના વરસાણા ઓવરબ્રિજ પાસે ટેમ્પોને ટ્રકે પાછળથી ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળના શ્રમિકો સવાર હતા. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય સાત લોકોને ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જણાય છે. મૃતકમાં નિર્મલ અમર બાઉરી (ઉં.વ.20, રહે. બોકારો, ઝારખંડ), રમેશ કિરણ ડોંગ (ઉં.વ.34, રહે. ઝારખંડ), લક્ષ્મણ સંતોષ બાઉરી (ઉં.વ.48, રહે. પશ્ચિમ બંગાળ) સામેલ છે.
સામખિયાળી ઓવરબ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં ભચાઉના શિકરાના રહેવાસી ચકુભાઈ મોમાયા મણકાનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
બીજી હિટ એન્ડ રનની ઘટનામાં મુંદ્રાના ગુંદાલા બ્રિજ પર બાઈકચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતાં ગાંધીધામના સપનાનગરના રહેવાસી ભાવેશ ભીમજીભાઈ ગડા (મહેશ્વરી )નું મોત નીપજ્યું હતું.
રાપર તાલુકાના જાટાવાડા ગામ ખાતે પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જવાથી બે કિશોરીના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાને લઈને 36 કલાકની ભારે જહેમત બાદ ભચાઉ ફાયર વિભાગની ટીમે બંને કિશોરીના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતકોમાં દયાબેન નાગજીભાઈ કોળી (ઉં.વ.12) અને આરતીબેન રાણાભાઈ કોળી (ઉં.વ.13) સામેલ છે.

