પત્ની અને માતાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું
Rajkot,તા.01
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા ચંદ્રેશ પાર્કમાં રહેતા અને સંતોષ ભેળના ધંધાર્થીએ પત્ની અને માતાના ત્રાસથી કંટાળી અને આર્થિકભીંસથી કંટાળી રૈયા ટેલીફોન એકચેન્જ નજીક આવેલા બગીચામાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બિગ બાઝાર પાછળ ચંદ્રેશ પાર્કમાં રહેતા અને બિગ બાઝાર સામે જ સંતોષ ભેળ નામની દુકાન ધરાવતા વિમલ છગનભાઇ ટાંક (ઉ.વ.30) નામના યુવકે ગત તા.27ના વહેલી સવારે છ કલાકે રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક તુલસીબાગ પાસેના હરીનગરની દીવાલએ ઝેરી દવા પી લેતા પરિવારજનો શોધખોળ કરતા હતા ત્યારે સ્કૂટર અને વિમલભાઈ ત્યાં જોવા મળતા બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ચારેક દિવસની સારવાર બાદ ગત રાત્રીના દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આ બનાવની જાણ યુનિવર્સીટી પોલીસ ને થતા સ્ટાફ હોસ્પિટલએ દોડી ગયો હતો. વિમલ ટાંકના મૃત દેને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર વિમલભાઈ એક ભાઈ બે બહેનમાં નાના હતા. સંતાનમાં એક પુત્ર છે. પ્રાથમિક વિગતોમાં ગૃહક્લેશ અને આર્થિક ભીંસથી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.