Amreli તા.23
અમરેલી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના આજે પણ સવારથીહળવા ઝાપટાંથી લઈ સવા બે ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક નદી નાળા છલકાયા છે.
અમરેલીમાં આજ સવારથી જ મેઘાએ મંડાણ કર્યાં હતા. અમરેલીમાં સવારથી વરસતા વરસાદthi બપોરે લગભગ ૧ વાગ્યા સુધીમાં ૧ ઇંચ વરસાદ પડી જવાના કારણે શહેરના માર્ગો નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે શહેરના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા.
અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. બગસરા શહેરમાં સતત વરસાદી ઝાપટાઓ વરસતા લોકો વરસાદી ઠંડકનો આનંદ માણી રહ્યા છે, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદથી ખેડૂત વર્ગમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. બગસરાના માવજીંજવા ગામમાં ભારે વરસાદને કારણે ચેકડેમ છલકાઈ જતાં ઓવરફલોની સ્થિતિ સર્જાઈ હતી. પાણીના જોરદાર પ્રવાહને કારણે બગસરાથી માવજીંજવા જતો મુખ્ય માર્ગ બાધિત થયો છે, જેના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.
વડીયા પંથકm પણ આજે વરસાદ પડતા તાલુકાના સુરવો ડેમમાં પાણીની આવક વધી જતા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. વધારાનો પાણીનો દબાણ નિયંત્રિત કરવા તંત્ર દ્વારા સુરવો ડેમના બે દરવાજા એક એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા નીચે આવતાં ગામોને તંત્ર દ્વારા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને નદીકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે.
લાઠી પંથકમાં સવારથી જ આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ જતા વાતાવરણમાં ફેરફાર અનુભવાયો હતો. બપોર બાદ ધીમેધારે વરસાદ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જાફરાબાદ બંદર ખાતે હવામાન વિભાગની ચેતવણીને પગલે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયામાં ન જવા હાકલ કરવામાં આવી છે, જેથી કોઈ દુર્ઘટના સર્જાય નહીં. ચેતવણી મળતાં જાફરાબાદ દરિયાકાંઠે આવેલી લગભગ 700 જેટલી બોટો કિનારે રોકી દેવામાં આવી છે. ભારે કરંટ અને ઉંચા મોજાંને કારણે દરિયામાં માછીમારી કરવા જોખમરૂપ પરિસ્થિતિ સર્જાઈ છે.
અમરેલી ડિઝાસ્ટરમાં સાંજે ૮ વાગ્યા સુધીમાં કુંકાવાવમાં ૫૬ મી.મી; લાઠીમાં ૧૪ મી.મી; લીલીયામાં ૧૦ મી.મી; અમરેલીમાં ૩૦ મી.મી; બગસરામાં ૧૦ મી.મી; સાવરકુંડલામાં ૨ મી.મી; ખાંભામાં ૫ મી.મી; જાફરાબાદમાં ૩ મી.મી;
જ્યારે રાજુલામાં ૩ મી.મી; વરસાદ નોંધાયો છે.