Pakistanતા.30
પાકિસ્તાનમાં મોંઘવારીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. દરેક વસ્તુની કિંમતમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં ટામેટાની કિંમત 600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઇ છે. છેલ્લા એક મહિનામાં ટામેટાની કિંમતમાં 400%ના વધારાએ લોકોને પરેશાન કરી દીધા છે.
મોંઘવારીની અસર પાકિસ્તાનની સંસદમાં પણ જોવા મળી હતી. એક સાંસદ ટામેટા ખરીદવા માટે લોન લેવાની માંગ કરી રહ્યા છે. સાથે જ તે ભારત સાથેની ટામેટાની સસ્તી આયાતની જૂની યાદોને પણ યાદ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા વીડિયોમાં એક પાકિસ્તાની સાંસદ ટામેટાની વધતી કિંમતો પર ભાર મુકતા કહે છે,”હું મુશ્કેલીથી ટામેટા અહીં લાવ્યો છું. અમારા સાંસદ ફારૂખ સાહેબનો આભાર, જેમણે આ ટામેટા મંગાવ્યા. આ ટામેટાની કિંમત 75 રૂપિયા છે.”
પાકિસ્તાનમાં ટામેટાની કિંમતમાં આ ઉછાળો પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ બંધ થવાને કારણે આવ્યો છે. 11 ઓક્ટોબરથી બન્ને દેશો વચ્ચે સરહદ પર સૈન્ય અથડામણ થઇ રહી છે. અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઇ હુમલાને કારણે તણાવ વધી ગયો છે.
તાજેતરમાં ઇંસ્તંબુલમાં આયોજિત શાંતિ વાર્તા પણ નિષ્ફળ થઇ ગઇ છે. એવામાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ બંધ થતા 2600 કિલોમીટરની લાંબી સરહદ પર વેપાર ઠપ્પ થઇ ગયો છે જેને કારણે જરૂરી વસ્તુઓની કિંમતોના ભાવમાં વધારો થયો છે.
પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ બંધ થતા દરરોજ બન્ને દેશોને લગભગ 10 લાખ ડોલરનું નુકસાન થઇ રહ્યુ છે.પાકિસ્તાનમાં ટામેટાની કિંમતો 600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઇ છે.

