America,તા.01
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવેલી કડક ઇમિગ્રેશન નીતિની સીધી અસર ભારતીય IT પ્રોફેશનલ્સ પર જોવા મળી રહી છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ(USCIS)ના આંકડા મુજબ, H-1B વિઝાની મંજૂરીમાં એક વર્ષમાં લગભગ 40% અને 2015થી અત્યાર સુધીમાં કુલ 70%નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાને કારણે ભારતીય કંપનીઓને આ દાયકામાં સૌથી ઓછા એટલે કે માત્ર 4.5 હજાર H-1B વિઝા જ જાહેર થઈ શક્યા છે.
ભારતીય IT કંપનીઓમાં, TCSના કર્મચારીઓને સૌથી વધુ વિઝા મળ્યા છે, છતાં TCSનો રિજેક્શન રેટ 2024માં 4%થી વધીને 7% થયો છે. આ વર્ષે TCSના 5293 કર્મચારીઓને અમેરિકામાં નોકરી ચાલુ રાખવાની મંજૂરી મળી છે, પરંતુ ભારતમાંથી નવા વિઝા મેળવનાર કર્મચારીઓની સંખ્યા 2024ના 1452ની સરખામણીએ ઘટીને માત્ર 846 થઈ ગઈ છે.
અન્ય મોટી ભારતીય કંપનીઓ જેવી કે ઇન્ફોસિસ, HCL અમેરિકા, LTI માઇન્ડટ્રી અને વિપ્રોનો રિજેક્શન રેટ (1% થી 2%) ઓછો છે, પરંતુ તેનું મુખ્ય કારણ એ છે કે આ કંપનીઓ હવે અરજીઓ જ ઓછી કરી રહી છે. નોંધનીય છે કે, H-1B વિઝાના મામલે એમેઝોન, મેટા, માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી ટેક જાયન્ટ્સ ભારતીય કંપનીઓ કરતાં ઘણી આગળ છે.
અમેરિકાની H-1B વિઝા નીતિ અંગે ટેસ્લાના CEO ઇલોન મસ્કે ભારતીયોના સમર્થનમાં મોટું નિવેદન આપ્યું છે. મસ્કે સ્પષ્ટ જણાવ્યું કે, ટેક્નોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં ભારતીય ઇમિગ્રન્ટ્સની પ્રતિભાથી અમેરિકાને ખૂબ લાભ થયો છે અને વૈશ્વિક કંપનીઓમાં ટોચના પદો પર ભારતીય મૂળના લોકો છે. જોકે, ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં તિરાડ પડી છે, તેમ છતાં મસ્કે ભારતીય પ્રતિભાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે.

