Abu ,તા.9
ભારે વરસાદને કારણે માઉન્ટ આબુના સાત ગુમ નજીક રોડનો એક ભાગ ધરાશાયી થતાં તંત્રએ તાત્કાલિક અસરથી 3 દિવસ માટે પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ કરવાનો નિર્ણય લીધો છે. માઉન્ટ આબુના સબ ડિવિઝન ઓફિસર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે માર્ગનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે બંધ રહેશે.
તંત્ર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ આગામી 3 દિવસ સુધી કોઈ પણ પ્રવાસીને માઉન્ટ આબુમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. રાત્રિના 8ઃ30 થી સવારે 6ઃ00 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભારે વાહનો, સરકારી અને ખાનગી બસો તેમજ ઓવરલોડ ટ્રકોને માઉન્ટ આબુ પર આવવા દેવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ જતા નાના વાહનોને માઉન્ટ આબુમાં પ્રવેશ માટે છૂટ આપવામાં આવી છે. હોટેલ માલિકોને આગામી 3 દિવસ માટે હોટલો ખાલી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
માઉન્ટ આબુના સાત ગુમ નજીક રોડની એક સાઈડની દિવાલ તૂટી પડતા તંત્ર દ્વારા તાત્કાલિક માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને તૂટી ગયેલા માર્ગને રીપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ જ પ્રવાસીઓ માટે ફરીથી માર્ગ ખુલ્લો મૂકવામાં આવશે.
આ નિર્ણય સ્થાનિકો અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. પ્રવાસીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ આગામી દિવસોમાં માઉન્ટ આબુની મુસાફરી ટાળે અને તંત્રને સહકાર આપે.