Washington, તા. 8
અમેરિકામાં ફરી એક વખત સત્તા સંભાળ્યા બાદ હાથમાં ટેરીફ બોમ્બ લઇને સૌ કોઇને ધમકાવી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે તેના ખાસ સાથીદાર જાપાન અને દક્ષિણ કોરીયા સહિતના 14 દેશોએ અમેરિકા સાથે વ્યાપાર સમજુતી નહી કરતા તેમના પર 40 થી 50 ટકાના ટેરીફ લગાવવાની જાહેરાત કરી છે અને 1 ઓગષ્ટથી અમલી બની જશે.
તો બીજી તરફ ભારત સાથેના બહુ જલ્દી ટ્રેડ ડીલ થઇ જશે તેવી જાહેરાત કરીને ટ્રમ્પે જણાવ્યું હતું કે બંને દેશો આ પ્રકારના કરાર કરવાની અત્યંત નજીક છે. અમેરિકા તા. 9 જુલાઇની ડેડલાઇન પણ વધારી શકે છે. તેવો સંકેત વ્હાઇટ હાઉસના પ્રવકતા કેરોલીયન લેવીડે આપ્યો હતો જેના કારણે બંને દેશો વચ્ચે વાટાઘાટ માટે વધુ સમય મળી રહે તેવી શકયતા છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ ગઇકાલે 14 દેશો પર ટેરીફ અંગેના ટ્રેડ લેટર સહી કરી હતી અને તે જે તે દેશોને મોકલી દેવાયા છે જેમાં આર્થિક અને ટેકનોલોજીની દ્રષ્ટિએ સમૃધ્ધ જાપાન અને દક્ષિણ કોરીયાનો સમાવેશ થાય છે. ટ્રમ્પના આ પગલામાં તેઓએ જોકે હજુ પણ વાટઘાટની જોગવાઇ રાખી છે.
વ્હાઇટ હાઉસમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે અમે બ્રિટન અને ચીન સાથે વ્યાપાર સમજુતી કરી લીધી છે અને ભારત સાથે તે કરવાની અત્યંત નજીક છીએ અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ તા.9 જુલાઇ પૂર્વે વ્યાપાર કરારની ડેડલાઇન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે અને હવે તેમાં બંને દેશો વચ્ચે હાલ મીની ટ્રેડ ડીલ થાય છે કે પછી એકંદરે પુરેપુરી વ્યાપાર સમજુતી થઇ જશે તેના પર સૌની નજર છે.
ટ્રમ્પે જે રીતે તેના મિત્ર દેશોને પણ ટેરીફમાં કોઇ ઘટાડો કર્યો નથી તેથી ભારત માટે હવે તેઓ કેવું વલણ અપનાવે છે તેના પર નજર છે. બંને દેશો વચ્ચે કૃષિ અને ડેરી એક ક્ષેત્રમાં મડાગાંઠ હોવાનું માનવામાં આવે છે.
અમેરિકા તેના ડેરી અને કૃષિ ક્ષેત્ર માટે ભારત તેના દરવાજા ખોલી નાખે તેવી માંગણી કરી છે અને સાથોસાથ એ પણ દબાણ લાવી રહી છે કે ફ્રુડ તેલથી શસ્ત્ર ખરીદીમાં ભારત એ રશિયા કરતા અમેરિકાને પ્રાધાન્ય આપે હવે આગામી 24 કલાકમાં જ બંને દેશો વચ્ચેના ટેરીફ મુદ્દે કોઇ સમજુતી થાય તેવા સંકેત છે. ટ્રમ્પે ગઇકાલે એ પણ ચેતવણી આપી હતી કે જો જાપાન વળતા વધુ ટેરીફ લાદશે તો અમેરિકા તેના પર વધારાના ટેકસ લાદી દેશે અને તે 25 ટકામાં જોડાઇ જશે.
ટ્રમ્પે આ જ રીતે દક્ષિણ કોરીયાને પણ ચેતવણી આપી છે પરંતુ ભારત સાથેનું હળવુ વલણ સૂચક છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિકસ બેઠક પૂરી કરીને આજે સાંજે ભારત પહોંચે તેવી ધારણા છે અને ત્યારબાદ તેના નિર્ણય લેવાઇ શકે છે.
બીજી તરફ તેઓએ ગઇકાલે બ્રિકસ દેશોના અમેરિકા વિરૂધ્ધ વલણ અપનાવવા સામે ચેતવણી આપી હતી અને વધારાના 10 ટકાને ટેરીફની ધમકી આપી છે અને આથી હવે ભારત અને અમેરિકાએ કઇ રીતે સમજુતી પર પહોંચે છે તેના પર સૌની નજર છે.
કયાં દેશ પર કેટલા નવા ટ્રમ્પ ટેરીફ
– જાપાન 25 ટકા
– સાઉથ કોરીયા 25 ટકા
– મ્યાનમ્યાર 40 ટકા
– લાઓસ 40 ટકા
– દક્ષિણ આફ્રિકા 30 ટકા
– કઝાકિસ્તાન 25 ટકા
– મલેશીયા 25 ટકા
– ટયુનીશીયા 25 ટકા
– ઇન્ડોનેશીયા 32 ટકા
– બોસ્નિયા 30 ટકા
– બાંગ્લાદેશ 35 ટકા
– સર્બિયા 35 ટકા
– કંબોડિયા 36 ટકા
– થાઇલેન્ડ 36 ટકા