New Delhi,તા 1
અક્ષય તૃતીયા પર સમગ્ર ભારતમાં સોના અને ચાંદીની મોટી ખરીદીના અનુમાન છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT)ના રાષ્ટ્રીય મહાસચિવ અને દિલ્હી ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, દિવસના ટ્રેડિંગ પછી એક અંદાજ મુજબ લગભગ 12 હજાર કરોડ રૂપિયાના સોનાના આભૂષણોનું વેચાણ થયું છે અને લગભગ ચાર હજાર કરોડ રૂપિયાની ચાંદીનો વેપાર થયો છે.
તેમના મતે સોના-ચાંદીના ભાવમાં ઘણો વધારો થયો હોવા છતાં લગ્નસરાની સિઝન અને અક્ષય તૃતીયાના શુભ દિવસે સોના-ચાંદીની ખરીદીની પ્રાચીન પરંપરાને કારણે આજે સારો કારોબાર થયો હતો. તેમણે કહ્યું કે પૈસાના રોકાણ માટે સોનાને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે, તેથી સોના-ચાંદીના ભાવમાં વધારો થવા છતાં આજે સોના-ચાંદીમાં ખરીદી જોવા મળી હતી.
જ્વેલરી વિક્રેતાઓની સંસ્થા ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે જણાવ્યું હતું કે, દેશના વિવિધ ભાગોમાં સોનાની કિંમત 99,500 રૂપિયા અને 99,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે છે, જે 2024માં અક્ષય તૃતીયા પર 72,300 રૂપિયા કરતાં 37.6 ટકા વધુ છે.
ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશનના પ્રમુખ પંકજ અરોરાએ જણાવ્યું કે, વર્ષ 2022માં સોનાની કિંમત 52,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 65 હજાર રૂપિયા પ્રતિ કિલો હતો.
જ્યારે વર્ષ 2023માં સોનાની કિંમત 61,800 રૂપિયા અને ચાંદીની કિંમત 76,500 રૂપિયા હતી અને વર્ષ 2024માં આ જ સોનાની કિંમત 74,900 રૂપિયા પ્રતિ 10 કિલો હતી. નીચા ભાવને કારણે માંગ વધુ રહે છે.
ઉદ્યોગ મંડળ ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે, અક્ષય તૃતીયાના શુભ મુહૂર્ત પર દિલ્હીમાં લગભગ 21,000 લગ્નો થવાના કારણે લગ્ન સંબંધિત બિઝનેસ એક જ દિવસમાં રૂ. 1,000 કરોડને વટાવી જવાની આશા છે.
જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સોનાની માંગ 15 ટકા ઘટી
આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ભારતમા સોનાની માંગ 15 ટકા ઘટીને 118.1 ટન થઈ હતી, જ્યારે ભાવ વધવાને કારણે તેનું મૂલ્ય 22 ટકા વધીને રૂ. 94,030 કરોડ થયું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ, 2025 સુધીમાં ભારતની સોનાની માંગ 700-800 ટન વચ્ચે રહી શકે છે.
વર્ષ 2025ની શરૂઆતથી, સોનાના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે, જે 1,00,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની મર્યાદા સુધી પહોંચી ગયો છે, જેના કારણે ગ્રાહકોની પેટર્નમાં બદલાવ આવ્યો છે.
દિલ્હીની સોની બજાર મા સૂનકાર; વેચાણ 50 ટકાથી વધુ ઘટ્યું
સોનાના વધેલા ભાવની અસર આ વખતે અક્ષય તૃતીયા પર સ્પષ્ટ જોવા મળી હતી. બુધવારે દિલ્હીના બુલિયન બજારો નિર્જન રહ્યા હતા. જથ્થાબંધ અને છૂટક બજારોમાં ગ્રાહકોની અછત હતી. બુલિયન ટ્રેડર્સનું કહેવું છે કે ગયા વર્ષની સરખામણીએ આ વખતે કારોબાર 50 ટકાથી ઓછો રહ્યો છે. લગ્નસરાની સિઝન હોવાથી બજારમાં જે ગ્રાહકો ઉમટી પડ્યા હતા.
કુચા મહાજનીના ઓલ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ચેરમેન યોગેશ સિંઘલે જણાવ્યું હતું કે સોના-ચાંદીના જથ્થાબંધ બજારમાં ઘણા વર્ષો પછી આવી મંદી આવી છે. તેમનું કહેવું છે કે, સોનાની કિંમત એક લાખની નજીક પહોંચવી જોઈએ. અને આગામી કેટલાક મહિનામાં સોનાના ભાવમાં ઘટાડો થવાના ડરને કારણે ગ્રાહકો જ્વેલરીમાં રોકાણ કરવાનું ટાળી રહ્યા છે.
હાલ સોના-ચાંદીના ભાવમાં બેથી અઢી હજાર રૂપિયાની રોજિંદી વધઘટના કારણે બજાર અસ્થિર છે. બજાર સ્થિર થયા બાદ કારોબારમાં ફરી સુધારો થવાની ધારણા છે.