Rajkot,તા.3
રેશનિંગ વેપારીઓની હડતાલ પ્રશ્ને ગઈકાલે પણ ગાંધીનગર ખાતે વેપારી મંડળ અને સરકાર વચ્ચેની બેઠક પડી ભાંગી હતી. આ બેઠકમાં પૂરવઠા સચિવ અને વેપારી મંડળનાં હોદેદારો વચ્ચે ભારે તડાફડી બોલી ગઈ હતી.
બેઠક બાદ વેપારી મંડળનાં અગ્રણી પ્રહલાદ મોદી અને હિતુભા જાડેજા, એ જણાવેલ કે અમારી હડતાલ આજે ત્રીજા દિવસે ચાલુ જ છે. અને સરકાર જો બળજબરી કરશે તો રાજયભરના વેપારીઓ હાજીનામાનો ઢગલો કરી દેશે દરમ્યાન વેપારી મંડળ અને સરકાર દ્વારા સામ સામા દાવાઓ શરૂ કરી દેવાયા છે. તો પૂરવઠા વિભાગ કહે છે કે અનેક વેપારીઓએ ચલણ જનરેટ કરી વિતરણ શરૂ કર્યુ છે.
બેઠક બાદ દુકાનદારોએ હકારાત્મક અને માનવીય અભિગમ સાથે જરૂરિયાતમંદ લોકોને અનાજ વિતરણ માટે તૈયારી દર્શાવી હતી. જે અન્વયે ર નવેમ્બરના રોજ રાજકોટ જિલ્લામાં 175 જેટલા દુકાનદારો દ્વારા ચલણ જનરેટ કરી દેવામાં આવ્યું છે અને રાશન વિતરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જાહેર હિત અને સાંપ્રત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ NFSA હેઠળ નોંધાયેલા લાભાર્થીનાં હિતને ધ્યાને રાખી બાકી રહેલા વાજબી ભાવની દુકાનદારોએ ચલણ સંબંધિત કામગીરી કરવા હકારાત્મક વલણ દાખવી રહ્યા છે.
તેમજ રાજયના સુરત, આણંદ, વડોદરા, રાજકોટ વગેરે જેવા જિલ્લાઓમાં વાજબી ભાવના દુકાનદારો દ્વારા હકારાત્મક અભિગમ દાખવી લાભાર્થીના હિતાર્થે વધારાના ચલણ જનરેટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે.
વધુમાં રાજકોટના જામકંડોરણા જેવા ઘણા વાજબી ભાવના દુકાનદારો દ્વારા લાભાર્થીઓને વિતરણની કામગીરી પણ સુપેરે શરૂ કરી દેવામાં આવેલ છે. વધુમાં આવતીકાલથી ઘઉં અને ચોખાનુ વિતરણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે એમ રાજયના અન્ન અને નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે.
રાજ્યમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા આસામીઓની વિવિધ માંગણીઓને અનુલક્ષીને શનિવારથી સમગ્ર રાજ્યમાં હડતાલ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ સસ્તા અનાજના દુકાનદારો જોડાયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ઉપરાંત ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર મળી તમામ ચાર તાલુકાઓમાં વ્યાજબી ભાવની દુકાન ધરાવતા આસામીઓએ તેઓની કમિશન વધારા સહિતની જુદી જુદી 20 માંગણીઓને અનુલક્ષીને રાજ્યના એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંદોલનને ટેકો આપી અને પહેલી નવેમ્બરથી આ હડતાલમાં જોડાયા હતા. તેઓએ સસ્તા અનાજનું વિતરણ ન કરવા તેમજ અનાજનો જથ્થો ન ઉપાડવાનું નક્કી કરી અને વિવિધ મુદ્દે અહીંના ડી.એસ.ઓ.ને લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
અમરેલી શહેર જિલ્લા સહિત સમગ્ર રાજ્યના સસ્તા અનાજના વેપારીઓને લાંબા સમયથી તેમનાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં આજ તા.1થી નવેમ્બરથી 546 લાયસન્સ ધારકો અનાજ વિતરણથી અળગા રહેવાનું શસ્ત્ર ઉગામ્યું છે.
અગાઉ ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી છતાં આજ સુધી કોઈ ઉકેલ ન આવતાં આખરે અમરેલી શહેર-જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસાસિ એશનના વેપારી આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
બાદમાં અમરેલી જિલ્લા જિલ્લા પુરવઠા અધિકારી કુંભાણી તેમજ અમરેલીના મામલતદારને ઇ-પ્રોફાઈલમાં તકેદારી સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિલ બને, સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

