New Delhi,તા.18
દેશમાં ટ્રાફિક નિયમોના ભંગ સાથે બેફીકરાઈ-આડેધડ વાહનો ચલાવવાના તથા અકસ્માતના વધતા કેસોને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકારે દંડમાં 10 ગણા સુધીનો તોતીંગ વધારો જાહેર કર્યો છે. આકરા દંડ ઉપરાંત જેલસજા તથા સામાજીક સેવાની સજા જેવી જોગવાઈઓ પણ રાખવામાં આવી છે. ગત 1લી માર્ચથી નવી જોગવાઈઓનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.
નશાની હાલતમાં ડ્રાઈવીંગ કરવા, લાયસન્સ ન હોવા, વાહનનો વીમો કે પીયુસી ન હોવા, હેલ્મેટ ન પહેરવા, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા સહિતના ટ્રાફીક ભંગના કેસોમાં પેનલ્ટીની રકમમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે.
આ દંડાત્મક નિયમનો પ્રમાણે કોઈ વ્યક્તિ નશાની હાલતમાં ડ્રાઈવીંગ કરતા પકડાય તો 10000ના દંડ તથા 6 માસની જેલની જોગવાઈ છે. બીજી વખત પકડાય તો 15000નો દંડ અને બે વર્ષની જેલ થશે. અગાઉ આ દંડની રકમ અનુક્રમે 1000 અને 1500 જ હતી. હવે આ અપરાધને અત્યંત ગંભીરતાથી લેવાયો છે.
ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાના કિસ્સામાં પણ દંડની રકમ રૂા.500થી વધારીને 5000 કરવામાં આવી છે. મોબાઈલમાં વાત કરવાને કારણે ચાલકનુ ધ્યાન ભટકી જતુ હોય છે.
હેલ્મેટ તથા સીટબેલ્ટ ન પહેરવાના કિસ્સામાં પણ દંડની રકમ 10 ગણી વધારવામાં આવી છે. ટુ-વ્હીલર ચાલકે હેલ્મેટ ન પહેરે તો હવે રૂા.100ને બદલે રૂા.1000નો દંડ થશે તથા ડ્રાઈવીંગ લાયસન્સ ત્રણ માસ માટે સસ્પેન્ડ થઈ શકશે.
કારમાં સીટ બેલ્ટ પહેર્યો ન હોય તો પણ 1000 રૂપિયાનો દંડ થશે. ટ્રાફિક સિગ્નલ પર રેડલાઈટ જંપના ગુનામાં દંડની રકમ વધારીને 5000 કરવામાં આવી છે.
જયારે ઓવરલોડીંગના કિસ્સામાં દંડની રકમ રૂા.2000થી વધારીને 20000 કરવામાં આવી છે. ટુ-વ્હીલર ત્રણ સવારી ચલાવવાના કેસમાં દંડ 1000 કરાયો છે. લાપરવાહીથી વાહન ચલાવવા અથવા રેસ યોજના પર રૂા.5000નો દંડ થશે. એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનોના રસ્તા રોકવા પર 10000નો દંડ થશે.
સગીર બાળકો દ્વારા વાહન ચલાવવાના કિસ્સામાં દંડની રકમ રૂા.25000 કરવામાં આવી છે. આ સિવાય ત્રણ વર્ષની જેલ, વાહન રજીસ્ટ્રેશન રદ કરવા તથા 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ ન આપવાની પણ જોગવાઈ છે.
આ ઉપરાંત લાયસન્સ વિના વાહન ચલાવવા પર રૂા.5000નો દંડ થશે. વાહન વીમો ન હોય તો પ્રથમ વખત 2000, બીજી વખત 4000નો દંડ થશે. પીયુસી ન હોવા પર રૂા.10000ના દંડની જોગવાઈ છે.
ટ્રાફિક દંડમાં ધરખમ વધારો 1લી માર્ચથી લાગુ કરવામાં આવ્યો હોવા છતાં આ વાત દબાયેલી રખાયાનુ મનાય છે. આ દંડ લાગુ થવાના સંજોગોમાં જબરો ઉહાપોહ થવાના ભણકારા છે.
કેન્દ્ર સરકારે 1લી માર્ચથી જ ટ્રાફિક ભંગની પેનલ્ટીમાં 10 ગણો વધારો ઝીંકયો છે. આ મામલે રાજકોટના ટ્રાફિક પોલીસ તથા આરટીઓ તંત્રનો સંપર્ક કરતા તેઓ ‘અજાણ’ હોવાનુ માલુમ પડયુ હતું અને નવા ટ્રાફિક દંડ વિશે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યુ હતું.
બીજી તરફ જાણકારોએ કહ્યું કે, ટ્રાફિક કાયદાની દંડ સહિતની જોગવાઈઓમાં રાજયોને બદલાવ કરવાની છુટ્ટ છે. ભુતકાળમાં કેન્દ્ર સરકારે ટ્રાફિક દંડ વધાર્યો ત્યારે ગુજરાત સરકારે તેમાં ફેરફાર કર્યો હતો.
કેન્દ્રનુ જાહેરનામુ રાજયોને મોકલવામાં આવતુ હોય છે અને તેમાં રાજય સરકારને ફેરફાર કરવાની છુટ્ટ હોય છે. આ કિસ્સામાં પણ કદાચ ગુજરાત સરકારને જાહેરનામુ મળ્યુ હોય તો પણ તેના દ્વારા તેને લાગુ કરવાની હિલચાલના કોઈ નિર્દેશ નથી.