Botad, તા.25
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ર્ચિત કરવા માટે મંત્રીઓ જિલ્લા કક્ષાએ જઇને જાત નિરીક્ષણ થકી વિવિધ કામગગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે. જેને ધ્યાને લઇ સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના તેમજ બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાએ કલેકટર કચેરી ખાતે મહત્વના વિવિધ મુદાઓ પર વિસ્તારથી સમીક્ષા કરી હતી.
મંત્રીએ મુખ્યમંત્રીના દિશા-નિર્દેશો મુજબ, બોટાદ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે, પંચાયત હસ્તકના માર્ગો, નગરપાલિકા તેના પર આવેલા બ્રિજોની સ્થિતિ અને કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી, બ્રિજની ટ્રાફિક ભારક્ષમતા, બ્રિજોની હાલની સ્થિતિમાં ડાયવર્ઝન થયેલા રૂટમાં આવતા ગામડાઓના રોડ-રસ્તાની મરામત અને મોટરેબલ રહે તે માટે સૂચનો તેમણે કર્યા હતા.
મંત્રીએ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો, આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પંચાયત ઘર અંગે પણ બારીકાઇથી સમીક્ષા કરી હતી. જોખમ હોય તેવી તમામ બિલ્ડીંગ બંધ કરવા અને આ માળાખાની સ્થિતિને સુદ્રઢ બનાવવા માટે તુરંત પગલા લેવાના સૂચનો આપ્યા હતા અને જિલ્લામાં નાગરિકોને કોઇ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે જોવા ઉપર ખાસ ભાર મૂકયો હતો.
ઉપરાંત મંત્રીએ બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે રૂા. 10 લાખના ખર્થે નિર્માણ પામેલા ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કર્યુ હતું. આ સિગ્નલ બોટાદ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તેમજ ટેકસપિન, જાયન્ટસ ગ્રુપ, બોટાદના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. શહેરના ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે આ સિગ્નલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ બેઠક તેમજ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમાર, જિલ્લા કલેકટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકાકરકી અક્ષય બુડાનીયા, નિવાસી અધિક કલેકટર પી.એલ.ઝણકાત, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બલોલિયા, પ્રાંત અધિકારીઓ, નાયબ કલેકટર અને વિવિધ વિભાગોના અધિકારીઓ અગ્રણી, પાલજીભાઇ પરમાર, મયુરભાઇ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.