Jamnagar તા ૧૫,
જામનગર નજીક બાયપાસ વિસ્તારમાં રસ્તો ઓળંગી રહેલા એક વયોવૃદ્ધને હાઇડ્રા ક્રેઇન ના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા, અને તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. પોલીસે હાઇડ્રા ક્રેઇનના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં માધવબાગ શેરી નંબર -૬ માં કોપર સીટી વિસ્તારમાં રહેતા ગોકરભાઈ નાથાભાઈ કણઝારીયા નામના ૭૫ વર્ષના બુઝુર્ગ કે જેઓ ગઈકાલે બપોરે કનસુમરા ગામના પાટિયા પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી હાઇડ્રા ક્રેઇન ના ચાલકે તેઓને પાછળથી હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા, તેથી તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર પ્રદીપ ગોકરભાઈ કણઝારીયા એ જામનગરના પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાં હાઇડ્રા ક્રેઇન ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.