Bhavnagar , તા.9
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવવાનો વ્યવસાય કરતો યુવક કુટુંબીઓ સાથે ખરકડી ગામે બાલમશાહ દરગાહે ગયેલો બાદમાં નદીમાં ન્હાવા જતા અચાનક ડુબી જતા મોત નીપજયું હતુ. રિક્ષા ચાલક સમીરભાઈનું હજુ છ મહિના પહેલા જ સગપણ થયુ હતુ.
શહેરના કુંભારવાડા મોતી તળાવ કાજી મસ્જિદ વાળા ખાચામાં રહેતા અને રીક્ષા ચલાવવાનો વ્યવસાય કરતા સમીરભાઈ હુસેનભાઇ જુણેજા (ઉ.વ.20) તેના કુટુંબીઓ સાથે રીક્ષાનું ભાડું લઈ ખરકડી ગામે આવેલ બાલમશાહ પીરની દરગાહે સલામ ભરવા ગયા હતા.
કુટુંબીઓ દરગાહમાં ગયા હતા તે દરમિયાન સમીરભાઈ ખરકડી ગામે આવેલ નદીમાં કોઈને કહ્યા વગર નાહવા ગયા હતા અને તે દરમિયાન તેઓ અચાનક નદીમાં ડૂબી ગયા હતા બાદ તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા હતા જ્યાં તેને મૃત જાહેર કરાયા હતા. હજુ માત્ર છયેક મહિના પહેલા જ તેનુ સગપણ થયુ હતુ. આ ઘટના બનતા તેમના પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાય ગઈ હતી.