New Delhi તા.6
દેશમાં રેલવે અને માર્ગ પ્રોજેકટ માટે જમીનના હસ્તાંતરણ અને ખાસ કરીને ટનેલ સહિતના બાંધકામો માટે જે રીતે રેલવે અને માર્ગવ્યવહાર વિભાગ અલગ અલગ રીતે આયોજન કરે છે તેના બદલે હવે રેલવે તથા રોડ ટનલ સંયુક્ત રીતે બને તે જોવા માટે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે.
ખાસ કરીને ટનલ બાંધકામ એ અત્યંત મોંઘુ છે અને રેલવે તથા માર્ગ મકાન વિભાગ બંને અલગ અલગ રીતે પોતાના પ્રોજેકટ બનાવે છે જેને કારણે જમીનનો પણ મોટો વેડફાટ થાય છે તેના બદલે હવે રેલવે અને રોડ ટનલ પ્રોજેકટ એક સાથે નિર્માણ કરવા માટે તૈયારી છે.
આ માટે રેલ્વે અને રોડ વિભાગનું એક જોઈન્ટ વર્કીંગ ગ્રુપ સ્થાપવામાં આવ્યું છે જેના કારણે પ્રોજેકટનો ખર્ચ પણ ઘટશે. સાથો સાથ વધારાની જમીનનું હસ્તાંતરણ પણ કરવું પડશે નહી. બંને એક જ કોરીડોર પર એકસાથે દોડે તો સુરક્ષા સહિતની વ્યવસ્થા પણ વધુ બહેતર રીતે કરી શકાશે.
હાલ તમામ પ્રકારના ટનેલ પ્રોજેકટ માટે કે જે પ્રારંભ થઈ રહ્યા છે તેને આ નવી માર્ગરેખા લાગુ થશે. આ ઉપરાંત જે વર્તમાન પ્રોજેકટ ગતિમાં છે તેમાં પણ જો રેલવે અને માર્ગવ્યવહાર વિભાગ સંયુક્ત રીતે કામ કરે તો શકય છે કે કેમ તે શકયતા પણ ચકાસાશે. સરકાર ઈન્ફ્રાસ્ટ્રકચર પાછળ રૂા.11.21 લાખ કરોડનો ખર્ચ કરી રહી છે.
જયારે રેલવે મંત્રાલયે 32235.24 કરોડની રકમ નવા ટ્રેક અને રૂા.2169 કરોડની રકમ ટનલ અને બ્રિજ બાંધકામ માટે ફાળવી છે જે બંને સંયુક્ત રીતે યોજવા તૈયારી છે. આગામી સમયમાં 50 હજાર કી.મી.ના નવા માર્ગ અને રેલ્વે ટ્રેક બાંધવાના છે જે સંદર્ભમાં આ યોજના મહત્વપૂર્ણ બનશે.