મોટાભાગે વૃદ્ધાઓને ટાર્ગેટ કરતા : બે સોનાના ચેઇન, માળા અને ઢાળીયા સહીત રૂ. 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે
Rajkot,તા.19
શહેરમાં અલગ અલગ ચાર ચીલઝડપને અંજામ આપનારી ત્રિપુટીને એલસીબી ઝોન-2 ટીમે ઝડપી લઇ સોનાના બે ચેઇન, માળા, ઢાળીયા સહીત રૂ. 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે સમડી ગેંગના મુખ્ય સૂત્રધાર સદામ કુરેશી ઉપરાંત વિક્રમ માનસુરીયા અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પકડી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના સોરઠીયાવાડી સર્કલ નજીક ગત તારીખ 16 મેના રોજ હિરલબા બળદેવસિંહ પરમાર નામની 42 વર્ષીય મહિલાના ગળામાંથી રૂ. ૪૧,૫૦૦ ની કિંમતનો સોનાનો ચેઈન, મહિલા કોલેજ અંડરબ્રિજ નજીકથી 76 વર્ષીય વૃદ્ધા લાભુબેન મનુભાઈ કોરીંગાના ગળામાંથી રૂ. 1.38 લાખની સોનાની માળા, શીતલ પાર્ક ટોઈંગ સ્ટેશન નજીકથી પ્રવિણાબેન હરિદાનભાઈ સોઢાતર નામની 60 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી રૂ. 20 હજારનો સોનાનો ચેઈન અને સોખડા બસ સ્ટેશન સામેથી દયાબેન રમેશભાઈ સોલંકી નામની ૬૦ વર્ષીય વૃદ્ધાના ગળામાંથી રૂ. 80,700 ની કિંમતનો ચેઈન સમડી ઝુંટવી ગયાની ફરિયાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. શીતલપાર્ક મેઈન રોડ પર એરપોર્ટની દિવાલ પાસે બે શખ્સોં નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે ઉભેલ છે અને તેમની પાસે ચોરીના દાગીનાઓ છે જે વેચવાની ફિરાકમાં છે. જે હકીકતના આધારે એલસીબી ઝોન-2 ટીમ બાતમીવાળા સ્થળે દોડી ગઈ હતી. જ્યાંથી સદામ ઉર્ફે મછો યાસીનભાઈ કુરેશી (ઉ.વ.26 રહે, ભગવતીપરા મેઇન રોડ, જયપ્રકાશનગર,રાજકોટ), વિક્રમ લાલજીભાઈ માનસુરીયા (ઉ.વ. 52 રહે. પાંજરાપોળ શ્રીરાધેશ્યામની સામેની શેરી, રાજકોટ) અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને બે સોનાના ચેઇન, માળા ઢાળીયા, મોટરસાયકલ સહીત રૂ.રૂ. 4.61 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા સદામ કુરેશી સમડી ગેંગનો મુખ્ય સૂત્રધાર હોવાનું ઉપસી આવ્યું હતું. સદામ અન્ય બે આરોપીઓને પાછળ બેસાડી પોતે બાઈક ચલાવી ચીલ ઝડપ આચરતો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સદામ કુરેશી વિરુદ્ધ અગાઉ પોકસો સહિતના ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે અને અગાઉ રીક્ષા ચલાવતો શખ્સ આર્થિક ભીંસ ભાંગવા ચીલઝડપ કરવાનું શરૂ કર્યું હતું.