Rajkot,તા.08
કુતિયાણાની સગીરા અને પોરબંદર પંથકની પરિણીતાને બેંકમાં નોકરીની લાલચ આપી રાજકોટ બોલાવી બાદમાં અમદાવાદ ખાતે લઇ જઈ દેહવ્યાપારના રેકેટમાં ધકેલી દેવા મામલે એક મહિના પૂર્વે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં રહેતી મહિલા સહિત બે શખસો અને સુરેન્દ્રનગર પંથકના શખસને નાસતા ફરતા સ્કવોડ ઝોન-૧ ની ટીમે કુવાડવા રોડ ચોકડી પાસેથી ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર પંથકની 24 વર્ષીય પરિણીતાએ ગત તા. 6/8 ના રોજ અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં રહેતા રાજદીપસિંહ જાડેજા, માહી ઉર્ફે મમતા ઉર્ફે જાનવી પટેલ, બ્રિજરાજસિંહ ઉદેશી ચૌહાણ (રહે વાંકાનેર), લાલાભાઇ, સોનલ અને મહેશ સહિત છ શખસોના નામ આપ્યા હતા. ઇન્સ્ટાગ્રામ મારફત કુતિયાણાની સગીરા સાથે પરિચયમાં આવ્યા બાદ બંને વચ્ચે વાતચીત થતી હતી. દરમિયાન સગીરાએ તેમને કહ્યું હતું કે, રાજકોટમાં રહેતા રાજદીપસિંહ જાડેજાએ મને રાજકોટમાં બેંકમાં નોકરી આપવાનું કહ્યું છે જો તમારે પણ નોકરીએ આવું હોય તો હું રાજદીપસિંહને વાત કરું જેથી પરિણીતાએ હા કહી હતી બાદમાં ફરિયાદી અને સગીરા બંને રાજદીપસિંહનો સંપર્ક કર્યો હતો. હોટલ ખાતે લઈ જઈ અહીં ફરિયાદીને તેના દીકરાને મારી નાખવાની ધમકી આપી દેહવ્યાપારમાં ધકેલી દીધી હતી. જે અંગેની ફરિયાદ પરથી નિકોલ પોલીસે આરોપીઓ સામે અપહરણ,ઇમોરલ ટ્રાફિકિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને કુવાડવા રોડ ચોકડી પાસેથી ઝડપી લીધા હતા. જેમાં મમતા ઉર્ફે માહી હિરેનભાઈ કયડા(ઉ.વ 26 રહે. મૂળ સુરત હાલ વર્ધમાનગ્રીન, ઘંટેશ્વર એસઆરપી કેમ્પની સામે, રાજકોટ), રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજદીપસિંહ મયુરધ્વજ સિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ જાડેજા( રહે. વર્ધમાનગ્રીન, ગ્રીન લિફ્વાળી શેરી, ઘંટેશ્વર એસઆરપી કેમ્પની સામે, રાજકોટ) અને લાલજી ઉર્ફે લાલો મનુભાઈ રાઠોડ (ઉ.વ 26 રહે. ઉંમરડા,તા. મૂળી જિ. સુરેન્દ્રનગર) ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.