Rajkot, તા.15
આજે માધાપર ચોકડીએ ટ્રકે રાહદારી વૃદ્ધને ઠોકરે લીધા હતા, જેમાં સ્થળ ઉપર જ વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બેફામ બની દોડતા ટ્રક થકી વધુ એક જીંદગી છીનવાઈ હતી. હજુ બે દિવસ પહેલા જ મોરબી રોડ ઉપર ડમ્પર હડફેટે સ્કૂટર ચડી જતા આઠ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. ત્યારે આ બીજો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી. મૃતક જીતેન્દ્રભાઈ મજેઠીયા પોતાના પુત્રની ઓફિસે ગયા હતા.
જ્યાંથી બીઆરટીએસ બસમાં ઘરે જવા માધાપર ચોકડીએ ઉતરી ચાલીને જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. બનાવના પગલે લોકોના ટોળાં એકત્ર થયા હતા, ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી ગુનો નોંધવા તજવીજ કરી હતી.
આ અંગે મળતી વિગત મુજબ આજે સવારે 11:30 વાગ્યા આસપાસ રાજકોટના અતિ વ્યસ્ત ગણાતા માધાપર ચોકડી વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. જેમાં રસ્તાની સાઈડમાં ચાલીને જતા વૃદ્ધને પ્રગતિ લેતા વૃદ્ધના શરીર ઉપર ટાયરના જોટા ફરી વળ્યા હતા. અને સ્થળ ઉપર જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવને પગલે લોકોના ટોળાં એકત્રિત થઈ ગયા હતા. પોલીસ પણ દોડી ગઈ હતી.
108 ને જાણ કરાતા 108 ના ઇએમટીએ સ્થળ ઉપર પહોંચીને વૃદ્ધને તપાસીને મૃત જાહેર કર્યા હતા. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. મૃતકની ઓળખ કરવા પોલીસે તજ કરતાં જાણવા મળ્યું હતું કે મૃતકનું નામ જીતેન્દ્રભાઈ મહિકૃષ્ણભાઈ મજેઠીયા (ઉંમર વર્ષ 70, રહે.ગોલ્ડન પોટ્રીકો એપાર્ટમેન્ટ, માધાપર ચોકડી) હતું. મુતકના પુત્રની ટ્રેડમાર્ક ની ઓફિસ રાજકોટના ઇન્દીરા સર્કલ ખાતે આવેલી હોય સવારે વૃદ્ધ દીકરાની ઓફિસે ગયા હતા.
જ્યાંથી તેઓ પરત માધાપર ચોકડી ખાતે ગોલ્ડન પોર્ટ્રીકોમાં આવેલ પોતાના ઘરે આવતા હતા. ઇન્દિરા સર્કલ થી બીઆરટીએસ બસમાં બેઠા હતા અને માધાપર ચોકડી ખાતે ઉતર્યા હતા. બસમાંની ઉતરીને તેઓ રોડની સાઈડમાં ચાલીને જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો
. મૃતક જીતેન્દ્રભાઈ 2 ભાઈ અને 2 બહેનમાં બીજા નંબરના હતા. તેમને સંતાનમાં 1 દીકરો છે. જે ટ્રેડ માર્કનું કામ કરે છે. જીતેન્દ્રભાઈ હાલ નિવૃત હતા. ઘરના મોભીના અકસ્માત મોતથી પરિવારમાં શોક છવાયો હતો.