રૂ. 55.44 લાખના મુદ્દામાલ સાથે હરિયાણાના ટ્રક ડ્રાયવરની ધરપકડ : વોટ્સઅપ કોલ પર દોરી સંચાર કરનાર શખ્સની શોધખોળ
Rajkot,તા.26
રાજકોટ શહેર એલસીબી ઝોન-2ની ટીમે મોરબી બાયપાસ પર એઇમ્સ હોસ્પિટલ ચોક નજીકથી રૂ.45.36 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લઇ 7560 દારૂની બોટલ સાથે હરિયાણાના ડ્રાઇવરની ધરપકડ કરી છે. એલસીબી ઝોન-2ના એએસઆઇ જે વી ગોહિલની ટીમ અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એલસીબી ઝોન-2ના કર્મચારીઓને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, મોરબી બાયપાસથી એઇમ્સ હોસ્પિટલ રોડ પર આઇસર ટ્રક ઉભેલ છે જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરવામાં આવેલ છે. તેવી ચોક્કસ હકીકતના આધારે એલસીબી ઝોન-2 અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમો બાતમીવાળા સ્થળે દોડી ગઈ હતી.
એલસીબી ઝોન-2 ટીમ અને ગાંધીગ્રામ પોલીસના સંયુક્ત દરોડામાં એઇમ્સ નજીકથી આઇસર ટ્રક જેના નંબર એનએલ-01-ક્યુ-7405 મળી આવતા તેમાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની કુલ 7560 દારૂની બોટલ જેની કિંમત રૂ.૪૫.૩૬ લાખનો દારૂનો જથ્થો મળી આવતા ડ્રાઇવર સાજીદ અલી હાકમ અલી (ઉ.વ.30 રહે કોટલા, ઘર નંબર 102, નુહ, હરિયાણા)ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે વોટ્સઅપ કોલ ઉપર વાત કરી સતત દોરી સંચાર કરતા શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એલસીબીએ દારૂ, ટ્રક, રોકડ, મોબાઈલ મળી કુલ રૂ.55,44,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
સાજીદઅલીએ પ્રાથમિક પુછતાછમાં એવુ રટણ કર્યુ હતું કે મને ગોવાથી ટ્રક અપાયો હતો અને જામનગર તરફ લઇ જવાનો હતો.જેને આ ટ્રક આપવાનો હતો તેની સાથે વ્હોટસએપથી વાત થઇ રહી હતી. પોલીસને વ્હોટ્સએપ કોલીંગના નંબર મળતાં તેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.