12,648 બોટલ દારૂ, ટ્રક મળી રૂ. 65.30 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની ડ્રાયવર-ક્લિનરની ધરપકડ
હરિયાણાથી આવતો ટ્રક મેંદરડા પહોંચે તે પૂર્વે જ રાજકોટ રૂરલ એલસીબી ટીમે પકડી પાડ્યો
Jasdan,તા.16
રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાંથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો છે. રૂરલ એલસીબીની ટીમે જસદણના લીલાપુર ગામ નજીકથી રૂ. 59.36 લાખનો શરાબ ભરી મેંદરડા તરફ જતા ટ્રકને ઝડપી ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ કરી હતી. જ્યારે જયપુરના સપ્લાયર અને જુનાગઢ ખાતે દારૂ મંગાવનાર બુટલેગર સહિત ત્રણ શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. રૂરલ એલસીબી પીઆઈ વી વી ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ સી ગોહિલ અને આર વી ભીમાણીની રાહબરી હેઠળ એલસીબીની ટીમ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન લીલાપુર ગામ નજીક આવેલ લીલાપુર હાયર સેકન્ડરી સ્કૂલની સામે જસદણ-વિછીયા હાઈવે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી જુનાગઢ તરફ જઈ રહેલા ટ્રકને ઝડપી લેવામાં આવ્યો હતો. એલસીબી ટીમએ ટ્રકની ઝડતી કરતા તેમાંથી રૂ.59,36,400 ની કિંમતનો 12648 બોટલ શરાબ મળી આવ્યો હતો. જેથી એલસીબીની ટીમે દારૂ, ટ્રક, રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ.65,30,100 ના મુદ્દામાલ સાથે રાજસ્થાની ડ્રાઇવર ધર્મેન્દ્ર કૈલાશજી મેઘવંશી (રહે અજમેર, રાજસ્થાન) અને ક્લીનર ગોવર્ધનસિંગ કાલુસિંગ રાવત (રહે અજમેર, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી હતી.
રૂરલ એલસીબી ટીમની પ્રાથમિક પૂછપરછમાં રાજસ્થાની ડ્રાઇવર-ક્લીનર કેફિયત આપી હતી કે, દારૂનો જથ્થો મૂળ રાજસ્થાનના જયપુરના વતની શિવ પ્રતાપ સિંઘે હરિયાણા ખાતેથી મોકલ્યો હતો અને ટ્રક જુનાગઢના મેંદરડા ખાતે પહોંચાડવાનો હતો. સપ્લાયર સતત ફોન પર દોરી સંચાર પૂરો પાડી રહ્યો હતો તેવું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. જેથી રૂરલ એલસીબી ટીમે સપ્લાયર શિવ પ્રતાપસિંહ, જૂનાગઢનો બુટલેગર અને ટ્રક માલિક એમ મળી કુલ ત્રણ શખ્સોની શોધખોળ શરૂ કરી હતી.