રૂ.૧૨.૫૫ લાખની કિંમતનું કેમિકલ ટોળાઈ જતા નુકસાન બદલ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
Bharuch,તા.૯
દહેજ બાયપાસ રોડની શ્રવણ ચોકડી પાસે કેમિકલ ભરેલ ટાંકાઓ સાથેની ટ્રક રસ્તાની બાજુમાં ખાડામાં ઉતરી જઈ પલટી ખાઈ જતા રૂ.૧૨.૫૫ લાખ ઉપરાંતની કિંમતનું કેમિકલ ટોળાઈ જતા નુકસાન પહોંચાડવા બદલ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
ભરૂચના રહેવાસી નંદકિશોર શર્મા અંકલેશ્વર ખાતેની સ્વયંભૂ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટમાં બ્રાન્ચ મેનેજર છે. તેમના ટ્રાન્સપોર્ટમાં અલગ અલગ વાહન માલિકોના વાહનો ભાડેથી મેળવવામાં આવે છે.
તેમના ટ્રાન્સપોર્ટએ મહારાષ્ટ્રના મયુર ટ્રાન્સપોર્ટની ટ્રક ભાડેથી મેળવી હતી. તે ટ્રકના ડ્રાઇવર તરીકે સલીમ ઈમામ સૈયદ (રહે-મહારાષ્ટ્ર) આવ્યો હતો. ગઈ તા.૪ સપ્ટેમ્બરના રોજ આ ટ્રક દહેજ જીઆઇડીસી ખાતેથી ડેઇટ્રોલાઇટ કેમિકલ ભરેલ ટાંકીઓ ટ્રકમાં લોડ કરી મહારાષ્ટ્ર જવા નીકળી હતી. રાત્રે ૧૨ઃ૩૦ વાગ્યાની આસપાસ દહેજ બાયપાસ શ્રવણ ચોકડી નજીક ટ્રક પલટી થઈ હતી.
અને પાંચ પૈકી બે ટાંકીઓના ઢાંકણા ખુલી જતા તેમાંથી રૂ.૧૨,૫૫,૫૨૦ ની કિંમતનું ૩૮૦૦ કિલો વજન ધરાવતું કેમિકલ ઢોળાઈ ગયું હતું. ટ્રક ડ્રાઇવરે બેદરકારીપૂર્વક ટ્રક હંકારી રસ્તાની સાઈડમાં આવેલ ખાડામાં ઉતારી દેવાના કારણે આ ઘટના ઘટતા નુકસાન પહોંચ્યું હોવાની ફરિયાદ બ્રાન્ચ મેનેજરે નોંધાવી હતી. જેના આધારે ભરૂચ સીટી એ ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.