New Delhi,તા.4
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમ્યાન કરેલા વિધાનો મુદે આજે સુપ્રીમકોર્ટે તેમને આડે હાથે લેતા કહ્યું હતું કે સાચો ભારતીય હોય તે આ પ્રકારના વિધાનો કરી શકે નહી. રાહુલે ભારતીય સેના અંગે જે વિધાનો કર્યા હતા તેની સામે સુપ્રીમકોર્ટે આકરુ વલણ અપનાવ્યુ હતું.
રાહુલના એ વિધાનો કે જેમાં 2000 વર્ગ મીટર જમીન ચીનના કબ્જામાં ચાલી ગઈ છે તે મુદે સર્વોચ્ચ અદાલતે પ્રશ્ન પૂછયો કે તમને કેમ ખબર પડી કે આ પ્રકારે જમીન ચીનના કબ્જામાં ચાલી ગઈ છે. શું તમારી પાસે તે માટે કોઈ મજબૂત પુરાવા છે.
સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટીસ દિપાંકર દતાએ એ પણ ટકોર કરી કે તમે વિપક્ષના નેતા છો તો જો આ પ્રકારની વાત કરવી હોય તો સંસદમાં કરો, સોશ્યલ મીડીયામાં કરવાની જરૂર શા માટે પડે. ઉપરાંત એક સાચા ભારતીય તરીકે તમે આ પ્રકારે કહી શકો નહી. જો સીમા અંગે કોઈ વિવાદ હોય તો સંસદમાં પ્રશ્ન પૂછી શકો છો પરંતુ તમારી પાસે બોલવાની આઝાદી છે.
એટલે કહી પણ કંઈ શકો નહી. જો કે સર્વોચ્ચ અદાલતે સાથોસાથ રાહુલ ગાંધીને રાહત આપતા તેમની સામે આ વિધાનો મુદે ચાલી રહેલી ટ્રાયલ પરનો સ્ટે લંબાવ્યો છે અને વધુ સુનાવણી ત્રણ સપ્તાહ બાદ થશે.
આ પુર્વે અલ્હાબાદ હાઈકોર્ટે પણ રાહુલ ગાંધીને આ ફટકાર લગાવી હતી અને તેમની સામેના સમન્સને રદ કરવાનો પણ ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે બોલવાની આઝાદીને કારણે તમે કંઈ પણ બોલી શકો નહી.
આ કેસ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના પુર્વ ડાયરેકટર ઉદયશંકર શ્રીવાસ્તવે દાખલ કર્યો છે જેમાં રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા દરમ્યાન ગલ્વાનમાં ભારત અને ચીનના સૈનિકોની થયેલી ઝપાઝપીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ચીની સૈનિકોએ ભારતીય જવાનોની પીટાઈ કરી હતી અને 2000 વર્ગ મીટરની જમીન ચીને કબ્જે કરી લીધી છે.