Junagadh,
જુનાગઢમાં આજે સમાધાનની સાથે સાચા અર્થમાં રક્ષાબંધનની ભાવના ઉજવાઈ હતી, શહેરમાં પોલીસ તંત્રના માનવિય અભિગમની જીવંત ઝલક જોવા મળી હતી તો વાલ્મિકી સમાજની એક બહેન દ્વારા પોલીસ અધિકારીના ભાવનાત્મક બંધનની મિશાલ સામે આવી હતી.
વાલ્મિકી સમાજની નાથીબેન વાઘેલાએ પોતાની મિલકત તથા નાણાં સંબંધિત કુટુંબમાં ચાલી રહેલા વિવાદ અંગે જુનાગઢ શહેરના ડીવાયએસપી ધાંધલિયાનો સંપર્ક કર્યો હતો. અને પોતાના સગા ભાઈ દ્વારા થતા અન્યાય અંગે રજૂઆત કરી હતી. ત્યારે ડીવાયએસપી ધાંધલિયા એ બહેનની વાતને ગંભીરતાપૂર્વક સાંભળી, તાત્કાલિક નાથીબહેનના ભાઈ તથા તેમના પરિવારજનોને બોલાવી, બંને પક્ષ વચ્ચે સહાનુભૂતિપૂર્વક સમજૂતી કરાવતાં, એક સુંદર સંવાદ અને સમાધાન સર્જાયું હતું.
જુનાગઢ ડીવાયએસપી ધાંધલિયાની કેસ કબાડા વગર પરિવારજનોમાં પ્રેમ વર્તાઈ રહે, અને બધા સુખશાંતિથી રહે તેવા સમાધાનકારી વલણ અપનાવી પરિવારને ફરી એક તાંતણે બાંધી રાખતા, રક્ષાબંધનના પવિત્ર તહેવારને એક દિવસ બાકી હોય ત્યારે, આ શુભ અવસરે નાથીબહેન વાઘેલાએ પોતાના ભાઈને તો રાખડી બાંધી, તે સાથે નાથીબહેનએ ડીવાયએસપી ધાંધલિયાને પણ ભાઈ રૂપે રાખડી બાંધી, “મારા બંને ભાઈઓ હંમેશા સુખમય રહે, આરોગ્યમય રહે અને પરમ વૈભવના શિખરો સર કરે. મા ખોડલના આશીર્વાદ સદા તેમને પ્રાપ્ત રહે.” તેવા પ્રેમભર્યા આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે વાલ્મિકી સમાજના પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા તથા મવડી મંડળના અધ્યક્ષ સી.ડી . પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં અને બંને આગેવાનો એ પોલીસ તંત્રના સહકારભર્યા વલણ અને સમાજમાં શાંતિપૂર્ણ સમાધાન તથા ભાઈચારાને વધાવતી આવી પહેલને આવકારી હતી.