Washington,તા.11
અમેરીકાએ ભારત સહિતના દેશો પર ધરખમ ટેરીફ લાગુ કર્યો છે અને તેનાથી જવેલરી સહિતના નિકાસ ક્ષેત્રોમાં સોપો પડી ગયો છે. ત્યારે ટ્રમ્પ સરકાર દ્વારા સોનાને ટેરીફમાંથી મુકિત આપવામાં આવે તેવા સંકેત છે.
સુત્રોના કહેવા પ્રમાણે અમેરીકામાં સોનાની ઈંટ (ગોલ્ડ બાર) ની આયાત ટેરીફ મુકત કરવાના નિર્ણય પર ટ્રમ્પ સરકાર તુર્તમાં ફેંસલો કરશે.છેલ્લા દિવસોમાં સોના પરની ટેરીફ સંબંધી દ્વિધાને કારણે સોનાના ભાવમાં જબરી તેજી થઈ હતી અને ભાવ નવી ઉંચાઈએ પહોંચવા લાગ્યા હતા.
અમેરિકી તંત્ર દ્વારા એવુ નકકી કરવામાં આવ્યું હતું કે એક કિલો તથા 100 ઔશ (અંદાજીત 2.83 કિલો) ની સોનાની ઈંટ પર પણ જુદા જુદા દેશના ધોરણે ટેરીફ લાગુ પડશે.આ સ્થિતિમાં સ્વિટઝરલેન્ડથી અમેરીકામાં આયાત થતા સોના પર 39 ટકા ટેરીફ લાગે તેવી આશંકા વ્યકત થઈ શકે તેવી આશંકા વ્યકત થવા લાગી હતી.
ટ્રમ્પના ટેરીફ ટેરરમાં સોના વિશેની ગડમથલ વચ્ચે હવે અમેરીકા સોનાને ટેરીફમાંથી મુકિત જાહેર કરશે જોકે આ મુકિત સોનાની ઈંટ પર જ રહેવાના સંકેત છે. જવેલરીની આયાત પર ટેરીફ યથાવત જ રહી શકે છે.
સોના-ચાંદીના ભાવ ઘટયા
સોનાને ટેરિફ મુકિત મળવાના સંકેતોને પગલે આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો કોમાડીટી એકસચેંજમાં સોનાનો ભાવ 800 રૂપિયાથી વધુના ઘટાડાથી 100930 સાંપડયો હતો. ચાંદીમાં પણ 900 રૂપિયાનો ઘટાડો હતો. ભાવ 114030 હતો.