ભારતે અપનાવેલી વ્યુહરચનાની અસર હોવાની શકયતા : બન્ને દેશોના સંબંધો પહેલા જેવા જ હોવાનો અમેરિકાનો દાવો
New Delhi.તા.13
આગામી મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત અમેરિકા મુલાકાત અને પ્રમુખ ટ્રમ્પને પણ મળવાની શકયતાની ચર્ચા શરૂ થઈ છે તે વચ્ચે ભારત-પ્રત્યે અમેરિકાના વલણમાં થોડી નરમાઈ જોવા મળી છે.
જે રીતે ભારતે વ્યાપાર-કરારમાં રાષ્ટ્રીય હિતોને અગ્રતા આપવા જે રીતે મકકમ વલણ અપનાવ્યુ છે અને ભારત જેવા દેશ સાથે ટ્રમ્પના વલણની તેનાજ દેશમાં આકરી ટીકા થઈ રહી છે તે પછી અમેરિકામાં હવે ભારત સાથેના તેના સંબંધો અગાઉ જેવા જ હોવાનો દાવો કર્યો છે અને તેમાં કોઈ બદલાવ આવ્યો નહી હોવાનો દાવો ટ્રમ્પ તંત્રએ કર્યો છે.
અમેરિકી વિદેશ વિભાગના પ્રવકતા ટેમીબ્રસે કહ્યું કે ભારત અને પાકિસ્તાન બન્ને સાથેના અમારા સંબંધો પહેલા જેવા જ છે. એ ઉલ્લેખનીય છે કે તા.26થી ભારત પર જે વધારાના 25% ટેરીફ અમેરિકાએ લાદયા છે તે પણ મુલત્વી રહી શકે છે. મોદી-ટ્રમ્પની સંભવિત મુલાકાતને 45 દિવસ બાકી છે.
ઉપરાંત રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન ભારત આવી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન પણ જઈ રહ્યા છે તે ફેકટર પણ મહત્વનું છે. ટ્રમ્પે હાલમાં જ ચીન પરના ટેરીફમાં 90 દિવસ અમલ પાછો ઠેલ્યો છે તે સ્થિતિ ભારત સાથે બની શકે છે.

